બારડોલી
બારડોલી તાલુકા પંચાયતમાં આજે નવા ઉપપ્રમુખની વરણી

ઓગસ્ટ 2024માં યોજાયેલી સુમુલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરનાર તત્કાલિન બારડોલી તાલુકા પંચાયત ઉપપ્રમુખ બિપિનચંદ્ર ચૌધરીને ભાજપ દ્વારા પાર્ટીના સક્રિય સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા બાદ થોડા દિવસમાં તેમની સામે તાલુકા પંચાયતમાં પણ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને તેમને ઉપપ્રમુખ પદેથી હટાવવામાં આવ્યા હતા. આથી ઉપપ્રમુખની આ બેઠક ખાલી પડી હતી. બે મહિનાથી ખાલી પડેલી આ બેઠક માટે જિલ્લા વિકાસ અધિકારી તરફથી સૂચના આવતા ગુરુવારના રોજ ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ જમનાબેન રાઠોડના અધ્યક્ષ સ્થાને આ સભા યોજાશે. નવા ઉપપ્રમુખની વરણી માટે ભેંસુદલા બેઠકના કિશોરભાઈ ચૌધરી એકમાત્ર ઉમેદવાર છે. તેથી તેમની બિનહરીફ વરણી થવાની સંભાવના છે.




