સુરતના માંડવી અને કામરેજ તાલુકાના ગામોને જોડતી ST બસ કોરોના કાળથી બંધ સેવા ચાલુ કરવા રજુઆત

છેલ્લા પાંચેક વર્ષના કોરોના કાળ દરમ્યાન સુરત જિલ્લાના માંડવી અને કામરેજ તાલુકાના ગામોને જોડતી એસ ટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. આ એસ ટી બસ સેવા ફરી શરૂ કરવા માટે બૌધાન, ઘલા તેમજ કરજણ આખાખોલ ગ્રુપ ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
ત્રણેય ગ્રામ પંચાયતના લેટર પેડ પર કરેલી લેખિત રજૂઆતને અંદાજિત બે માસનો સમય ગાળો થઈ ગયો હોવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ઘલા, કરજણ, બૌધાન સહિત રૂટ માં આવતા અન્ય ગામો મળી દૈનિક મોટી સંખ્યામાં નોકરી, ધંધા, રોજગાર સહિત મોટા ભાગના હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
સાથે સાથે શાળામાં તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ કઠોર,ખોલવડ તેમજ કામરેજ ચારરસ્તા ખાતેની શૈક્ષણિક સંસ્થામાં જતા હોય છે.ત્યારે કોરોના કાળ દરમ્યાન સુરત કરજણ માંડવી, અરેઠ, વરેલી સહિતની ટ્રીપ વાળી એસ.ટી બસ બંધ કરી દેવામાં આવી હતી. જે બંધ કરી દેવાયેલા રૂટ પરની એસ ટી બસ સેવા ફરી શરૂ કરવા લેખિતમાં રજૂઆત કરવામાં આવી ચૂકી છે.




