માંડવી તાલુકાના કવોરી માલિકોએ પણ ફરી કવોરી શરૂ કરી

રાજ્ય ક્વોરી એસોસિએશન દ્વારા રાજ્ય સરકારને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો ન હતો, જેથી આખરી શસ્ત્ર તરીકે કવોરી ઉદ્યોગના આગેવાનો દ્વારા બીજી ઓક્ટોબરથી તમામ કવોરીઓ બંધ કરવાના આદેશ અપાયા હતા પરંતુ હાલમાં સરકાર સાથે થયેલી મંત્રણા બાદ સુખદ ઉકેલ આવતા રાજ્ય એસોસિએશન સાથે જોડાયેલ માંડવી તાલુકાના કવોરી માલિકોએ પણ ફરી કવોરી શરૂ કરી દીધી છે.
રાજ્યના દરેક જિલ્લામાં આવેલ કવોરી ઉદ્યોગને ખાણથી લઈ અનેક પ્રશ્નો નડી રહ્યા હતા, જે બાબતે રાજ્ય સરકારમાં વારંવારની રજૂ કરી પરંતુ કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો ન હતો રાજકીય આગેવાનોને પણ આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવતા આખરે બીજી ઓક્ટોબરે તમામ કવોરી બંધ કરી દેવામાં આવી હતી.
હજારો ટ્રકોના પૈડા થંભી ગયા હતા તથા અનેક કામદારો અને મજૂરો ની રોજી રોટી બંધ થઈ ગઈ હતી. આવા સંજોગોમાં સરકારે કવોરી એસોસિએશન સાથે બેઠક યોજી હતી જેમાં પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપતા રાજ્ય આખાના કવોરી માલિકોએ સરકાર પર ભરોસો રાખી ફરી કવોરીઓ શરૂ કરી દીધી હતી. માંડવી કવોરી એસોસિએશનના આગેવાન રજનીભાઇ કથીરિયા, મનસુખભાઈ ભાલાળા, દામજીભાઈ ડાખરાએ સર્વ કવોરી માલિકોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




