ડાંગમાં દિવાળી અગાઉ હંગામી કર્મીઓને પગાર ચૂકવણી કરવા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખે કલેક્ટરને આવેદન આપ્યું

ડાંગ જિલ્લામાં દિવાળી પહેલા હંગામી કર્મચારીઓનો પગાર ચૂકવણી માટે કોંગ્રેસ સમિતિનાં કાર્યકારી પ્રમુખે રજૂઆત કરી હતી. રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓનાં પગાર તેમજ પેન્શન ધારકોનું પેન્શનનું ચુકવણું દિવાળી નિમિત્તે વહેલી તકે કરાય તેવી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ડાંગ જિલ્લામાં પણ દિવાળીના પર્વ નિમિત્તે વહેલી તકે કર્મચારીઓને પગાર તથા પેન્શનનું ચૂકવણું કરાય તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
હાલમાં દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ સરકારી કર્મચારીઓના પગાર તથા પેન્શન ધારકોના પેન્શનનો ચૂકવણુ વહેલી તકે કરે તેવી જાહેરાત કરી છે ત્યારે આ નિર્ણય આવકારદાયક ગણી શકાય છે. આ નિર્ણયથી સરકારી કર્મચારી અને પેન્શન ધારકો સામે દિવાળીના તહેવારની ઘરવખરી વગેરે તહેવાર પૂર્વે સારી રીતે ખરીદી શકે તે બદલ આ પ્રયાસ સરકાર દ્વારા કરાઇ રહ્યો છે. પરંતુ ડાંગ જિલ્લામાં કામ કરતાં અન્ય કર્મચારીઓ કે જે હંગામી છે અથવા આઉટસોર્સથી કામગીરી કરી રહ્યાં છે તથા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, સિવિલ હોસ્પિટલ, પોલીસ વિભાગ, ટી.એસ.પી, ફોરેસ્ટ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, બેંક તેમજ અન્ય વિભાગ કે શાખા હસ્તકના હંગામી આઉટસોર્સ, રોજમદારો, કોન્ટ્રાક્ટરો વગેરેના પણ આવનારી દિવાળી પહેલા પગાર અથવા ઇજારદારોનાં બાકી પેમેન્ટ કે ઉપાડ ચૂકવાય તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સ્નેહલ ઠાકરેએ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી હતી.




