ચૌધરી પરિવાર ટ્રસ્ટ ગુજરાતનું માંગરોળના બણભા ડુંગરે સ્નેહ સંમેલન યોજાયું

માંગરોળ તાલુકાના ઐતિહાસિક ધાર્મિક અને પ્રવાસન સ્થળ બણભા ડુંગર ખાતે યોજાયેલા આદિવાસી ચૌધરી પરિવાર ટ્રસ્ટ ગુજરાત પ્રથમ સ્નેહ સંમેલનમાં સમાજના અગ્રણીઓ દ્વારા ડોક્ટર ઇજનેર અને વિવિધ ક્ષેત્રે સફળ પ્રવૃત્તિ કરનારાઓનો સમાજના આગેવાનો દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં આદિવાસી ચૌધરી પરિવાર ટ્રસ્ટ ગુજરાતની સમાજના અગ્રણીઓ દ્વારા રચના કરવામાં આવી હતી અને સમાજના પ્રમુખ પદે માંગરોળના લવેટ ગામના હર્ષદભાઈ ચૌધરીની વરર્ણી કરવામાં આવી છે. તેમના નેતૃત્વમાં ચૌધરી સમાજને સંગઠિત કરવાનો અને અન્ય વિકસિત સમાજની હરોળમાં લઈ જવાના મૂળ હેતુ સાથે આદિવાસી ચૌધરી પરિવાર ગુજરાતનું સ્નેહ સંમેલન અગ્રણી અર્જુનભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયું હતું.
આ પ્રસંગે દેવી-દેવતાઓની પૂજા અર્ચના અને દીપ પ્રગટાવી અગ્રણી આગેવાનો દ્વારા સ્નેહ સંમેલનનો પ્રારંભ કરાયો હતો. માંગરોળ તાલુકા આદિવાસી ચૌધરી પરિવાર ટ્રસ્ટ ગુજરાતના પ્રમુખ બાબુભાઈ ચૌધરી સ્વાગત પ્રવચન કરી સુરત તાપી જિલ્લા માંથી આવેલા તમામ સમાજના લોકોને આવકાર્યા હતા.
નવા સંગઠનના મહામંત્રી શંકરભાઈ ચૌધરી તેમજ અન્ય હોદ્દેદાર ડો, નિલેશભાઈ ચૌધરીએ નવા સમાજના માળખાની રચના વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રે સમાજના વિદ્યાર્થીઓ સારી એવી પ્રગતિ કરી રહ્યા છે છતાં તેઓને કારકિર્દી બનાવવા માટે માર્ગદર્શનની જરૂર છે. હવે વેપાર અને સ્કિલનો જમાનો આવી રહ્યો છે ત્યારે, આપણે સમય સાથે બદલાવ લાવવો પડશે. ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઈ ચૌધરી સંબોધન કરતાં જણાવ્યું કે, સને 1948 માં રેગામા ગામ ખાતે રામજીભાઈ રૂપાભાઈ, ખાલપાભાઇ, જીવણભાઈ, પરસોત્તમભાઈ, વગેરેની ઉપસ્થિતિમાં પ્રથમ ચૌધરી સમાજની પરિષદ યોજાઈ હતી.
જેમાં સમાજના ઉત્થાન માટે સંગઠિત થવાનું, કન્યાદાન કરવું, વ્યસનનો કુરિવાજો દૂર કરવા, જમાના પ્રમાણે ચાલવુ, અને ખેડે તેની જમીન વગેરે મુદ્દે સમાજને આગળ વધવા અનુરોધ કરાયો હતો. જેમાં સફળતા મળી છે પરંતુ સમાજ સંગઠિત થયો નથી જેને કારણે સમાજના લોકોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે સમાજના છેવાડાના માનવીને મદદરૂપ થવા માટે આ બિન રાજ્ય સંગઠનની રચના કરી છે. તેમાં સહકાર આપવા માટે લોકોને તેમણે અનુરોધ કર્યો હતો.
સંમેલનના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા અર્જુનભાઈ ચૌધરીએ જણાવ્યું કે આપણે શિક્ષણ મેળવ્યું પરંતુ સંગઠિત થયા નથી.અમારો મૂળ ઉદ્દેશ સમાજને સારી દિશામાં લઈ જઈ વિકાસ કરવાનો છે. આ ટ્રસ્ટની રચના સમાજના લોકોને પડતી મુશ્કેલીઓમાં મદદરૂપ થવા માટે કરવામાં આવી છે. ઘણા આગેવાનો સમાજ માટે લડી રહ્યા છીએ આવા લોકોનું મનોબળ મજબૂત કરી પ્રોત્સાહન આપશો તો આપણા સમાજની પ્રગતિ થશે.




