સગાઇ રેન્જમાં પશુ ચરાવી રહેલી મહિલાને બીટગાર્ડે વાંસના સપાટાથી માર માર્યો
ધારાસભ્ય ચૈતર વસાવાએ વન અને પર્યાવરણમંત્રીને રજૂઆતની તો શાહી સુકાઇ નથી અને વન વિભાગ ગ્રામજનો ઉપર બેફામ બન્યું

દેડિયાપાડામાં વન વિભાગમાં ચાલતી લાલીયાવાડી સામે બે દિવસ પહેલાં જ ધારાસભ્ય ચૈતર વસાવાએ વન અને પર્યાવરણમંત્રીને રજૂઆત કરી હતી. આ ઘટનાની શાહી સુકાઇ નથી તેવામાં સગાઇ રેન્જમાં પશુ ચરાવી રહેલી મહિલાને બીટગાર્ડે માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.
સગાઇમાં રહેતી કવિતા વસાવા 20મીના રોજ જંગલમાં પશુઓ ચરાવવા માટે ગઇ હતી. તે પશુ ચરાવી રહી હતી. બપોરના 3.30 વાગ્યાના અરસામાં કોકટીનો બીટગાર્ડ તેની પાસે આવ્યો હતો અને વાંસના સપાટાથી મારવા લાગ્યો હતો. કવિતાબેને બુમરાણ મચાવતાં થોડે દુર પશુ ચરાવી રહેલી અન્ય મહિલા જાતરીબેન ત્યાં દોડી આવી હતી. બે મહિલા ભેગી થઇ જતાં બીટગાર્ડ જતો રહયો હતો. કવિતાને જાતરીબેન ઘરે લઇ આવ્યાં હતાં અને બાદમાં તેમને સારવાર માટે દેડિયાપાડાના સરકારી દવાખાને ખસેડયાં હતાં. આ બાબતે વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર હાલ ટ્રેનિંગમાં છે જ્યારે ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસરનો સંપર્ક થયો નથી.




