ડાંગ

સાપુતારામાં કરોડોનાં ખર્ચે બનેલ બસ ડેપો શોભાનાં ગાંઠિયા સમાન અડીખમ ઉભો

સાપુતારામાં કરોડોનાં ખર્ચે બનેલ બસ ડેપો શોભાનાં ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યો છે, કારણ કે બસ ડેપો બની ગયો હોવા છતાં પણ તેનું લોકાર્પણ કરાયું નથી. બીજી તરફ ચોમાસાનાં દિવસોમાં તથા ઉનાળામાં લોકોએ ખુલ્લા આકાશ નીચે ઉભુ રહેવું પડતું હોય છે ત્યારે રાજ્યનું પરિવહન વિભાગ કોની રાહ જોઈને બેઠું છે તે પ્રશ્ન ઉભો થયો છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારામાં કરોડોના ખર્ચે બસ ડેપો બનાવ્યો છે. જોકે તેનું લોકાર્પણ કરાયું ન હોવાથી બસ ડેપો ધૂળ ખાઈ રહ્યું હોય તેવુ નજરે દેખાઈ રહ્યું છે.

આ બસ ડેપો માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યું છે, કારણ કે દરરોજ શાળા-કોલેજ, આઇટીઆઇ વગેરેનાં વિદ્યાર્થીઓ તેમજ પ્રવાસીઓ બસની રાહ જોતા ખુલ્લા આકાશ નીચે તડકામાં કે વરસાદમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. એસટી બસો પણ ડેપોની બહાર પાર્કિંગ કરાતા ત્યાંથી પસાર થતા પ્રવાસી વાહનચાલકોને અડચણરૂપ બને છે.

રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આ બસ ડેપોનું લોકાર્પણ નહીં કરાતા મુસાફરો તથા પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આવનાર દિવસોમાં દિવાળીનાં પર્વમાં અસંખ્ય મુસાફરો સાપુતારા આવશે તેમ છતાં ગુજરાત રાજ્ય પરિવહન વિભાગ આ બસ ડેપોનું લોકાર્પણ કેમ નથી કરી રહ્યું ? શું રાજ્ય પરિવહન વિભાગને મુસાફરોની કોઈ પરવા જ નથી ? પરિવહન વિભાગ લોકાર્પણ કરવા કોની રાહ જોઈ રહ્યું છે ? એવા અનેક સવાલો ઉભા થયા છે. હવે પરિવહન વિભાગ મુસાફરોના હિતમાં નિર્ણય લેશે કે નહીં તે તો આવનાર સમયમાં જોવાનું રહેશે.

સાપુતારામાં રાજય સરકાર દ્વારા અદ્યતન બસડેપોનું નિર્માણ કરાયુ છે જે સરાહનીય બાબત છે પરંતુ આ એસટી ડેપો બનીને ઘણાં સમયથી બંધ હાલતમાં છે. જેથી એસટી બસ પણ બહાર પાર્ક કરાય છે અને મુસાફરો સુવિધા હોવા છતાં બહાર રઝળી રહ્યા છે. જેથી આ એસટી ડેપોનું સત્વરે લોકાર્પણ કરાય તે જરૂરી છે.> રામચંદ્ર હડશે, સ્થાનિક રહીશ, સાપુતારા-નવાગામ

Related Articles

Back to top button