સુરત જિલ્લામાં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયેલા ખેડૂતોને સરકાર સહાય ચૂકવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી

દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડવાથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. સરકાર તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવાની માગ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લામાં ડાંગરના પાકને મોટું નુકસાન હોય ખેડૂતોને સામી દિવાળીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લે તેવી માગ કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે રાખેલ હતો. તે પાણીમાં પલળી ગયો છે. ઉપરાંત, સુરત જિલ્લામાં હજારો હેક્ટરમાં થયેલ શેરડીનું વાવેતર પણ નષ્ટ થવાની આરે છે. સામી દિવાળીએ તૈયાર થઈ ગયેલા પાકને નુકસાન થતાં ખેડૂતોની થઈ સીધી અસર બજાર પર જોવા મળી રહી છે. નાના અને સીમાંત ખેડૂતો કે જેઓ આખું વર્ષ ડાંગરની ખેતીની કમાણી પર જીવતા હોય તેમને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ખેડૂતોને થયેલા નુકસાન અંગે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સરકારને રજૂઆત કરી છે.
પલળેલા ડાંગરનું ગ્રેડિંગ ઘટવાથી પણ નુકસાની
દક્ષિણ ગુજરાતમાં હાલમાં ખેડૂતોના ખેતરમાં ડાંગરનો પાક તૈયાર થઈ અનેક વિસ્તારમાં ડાંગર કાપણીની કામગીરી ચાલી રહી છે, પરંતુ ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરનાં તૈયાર થયેલ આશરે 1.18 લાખ હેક્ટર પાકમાં નુકસાન થયેલું છે. સુરત જિલ્લામાં અનેક વિસ્તારમાં જે ડાંગરનો પાક કાપણી કરીને ખેતરમાં સુકાવા માટે રાખ્યો હતો. તે ડાંગર પણ પાણીમાં પલળી ગયો છે. આ પલળી ગયેલ ડાંગરના ગ્રેડિંગ નીચે આવાને કારણે પણ ખેડૂતોને નુકસાન જશે આ વાત ચોક્કસ છે. આ જ રીતે બાજરી, જુવાર, તલ સહિતનાં પાકને નુકસાન થવા પામ્યું છે. જેથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થવાનું છે. વરસાદનાં કારણે જે વિસ્તારમાં ખેડૂતોના ડાંગર, શેરડી, શાકભાજી અને બાગાયતી પાક મળી આશરે 150 કરોડ રૂપિયા કરતા વધુનું નુકસાન થવા પામેલું છે. જેનો તત્કાળ સર્વે કરાવી ખાસ કિસ્સામાં જે ખેડૂતને નુકસાન થયેલું છે તેમને અને સુગર મિલો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.




