કેવડીયા આસપાસની 73-AA જમીનો મુદ્દે ચૈતર વસાવાનો આક્ષેપ
નર્મદા જિલ્લામાં આદિવાસીઓની જમીન શ્રી સરકાર કરી IAS, IPSને અપાઈ

સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વકક્ષાનું પર્યટન સ્થળ બની રહ્યું છે. જેથી કેવળીયાની આજૂબાજૂની આદીવાસીઓની ઘણી જમીનો પર હવે ઉચ્ચ અધિકારીઓની નજર મંડાઈ છે. નર્મદા જિલ્લામાં 73 – એએની જમીનો સરકારે શરતભંગનો ઉલ્લેખ કરી શ્રી સરકાર કરવા માંડી છે. એટલુ જ નહીં, આદિવાસીઓની જમીનો આઈએએસ – આઇપીએસ સહિત ઉચ્ચ અધિકારીઓને આપી દેવાઈ છે. જ્યાં હાલ ફાર્મ હાઉસ-બંગલા બાંધવામાં આવી રહ્યાં છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લીધે કેવડિયામાં પ્રવાસનને વેગ મળ્યો છે. આદિવાસી વિસ્તારમાં જમીનની માંગ વધી છે. ટુરિઝમ સેક્ટરના પ્રોત્સાહન વિકાસને જોતાં કેવડિયાનું મહત્વ વધ્યુ છે. આદિવાસીઓને રોજગાર આપવાની વાતો કરવામાં આવે છે પણ વાસ્તવિકતા કઇંક અલગ છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો કે, નર્મદા જિલ્લામાં વિસ્થાપિતોને હજૂ સુધી જમીન મળી નથી.
આ ઉપરાંત નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર, ગભાણા, ભૂમલિયા, મોટી રાવલ, અકતેશ્વર, વસંતપુરા, નાના પિપરીયા, જીતનગર અને નવા વાઘપુરા સહિતના ગામડાઓમાં આદિવાસીઓની 73-AAની જમીનો રાજ્ય સરકારે શ્રી સરકાર કરી દીધી છે. એટલું જ નહી આ આદિવાસીઓની જમીનો પર હવે સરકાર પ્લોટ પાડીને ઉચ્ચ અધિકારીઓના ફાળવી દીધાં છે. આ પ્લોટ પર હાલ આઈએએસ, આઇપીએસ સહિત ઉચ્ચ અધિકારીઓના ફાર્મ હાઉસ અને બંગલા બંધાઇ રહ્યાં છે. આદિવાસીઓની હજારો એકર જમીન શ્રી સરકાર કરી દેવાઈ છે. ત્યારે આ જમીનો હોટલ સાથે સાથે સ્મોલ સેક્ટર-ઔદ્યોગિક હેતુસર પણ ફાળવવામાં આવી છે. આ જમીનો બાબતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જમીનોના મુળ માલિકોએ જમીન પાછી મળેએ માટે આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.




