માંગરોળના આસરમા ગામે સ્મશાનની જમીન બાબતે બે જૂથો વચ્ચે આંતરિક ઘર્ષણ

સુરત માંગરોળના આસરમા ગામે જમીન પોતાની હોવાનો દાવો કરી આદિવાસી સમાજની સ્મશાન ભૂમિમાં બનાવેલો શેડ જેસીબી વડે તોડી પાડનાર ચાર ઈસમો વિરુદ્ધ સરપંચે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આસારમાં ગામે ગૌચરની જમીનમાં સર્વે નંબર 284વાળી જમીન આદિવાસી સમાજની સ્મશાન ભૂમિ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. ગ્રામ પંચાયતે ઠરાવ કરી શેડ બનાવવાની કાર્યવાહી કરી હતી. જેમાં સરકારના નાણાપંચની ₹2,57,687ની ગ્રાન્ટમાંથી પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. આ શેડનો ઉપયોગ સ્મશાન ભૂમિમાં મૃતદેહના અગ્નિસંસ્કાર કરવા માટે આવતાં લોકો કરતા હતા. જેની સામે સર્વે નંબર 289વાળી જમીનના માલિક અમૃતભાઈ મગનભાઈ સોલંકીના વારસદારો કુસુમબેન રતિલાલ સોલંકી, અતુલ રતિલાલ સોલંકી, પુષ્પાબેન મહેન્દ્રભાઈ સોલંકી અને દિલીપભાઈ રતિલાલભાઈ સોલંકી (મૂળ રહે. આસરમા ગામ, હાલ રહે અંકલેશ્વર કાપોદ્રા ગામ, જલારામ સોસાયટી) વગેરે વાંધો ઉઠાવી અમારી જમીનમાં શેડ બનાવી દીધો હોવાનો આરોપ લગાવ્યો હતો.
વારસદારો દ્વારા જેસીબી મશીન લાવી પતરાના શેડ અને બેઠક વ્યવસ્થાની તોડફોડ કરાઈ રહી હતી. ત્યારે સરપંચના સસરા મોહનભાઈ કાલુભાઈ અને અન્ય ગામના લોકો ત્યાં પહોંચ્યા હતા અને જેસીબી મશીન બંધ કરાવી કોની મંજૂરીથી આ તમે તોડી રહ્યા છો તેવા સવાલ કર્યા હતા. ત્યારે કુસુમબેન રતિલાલ સોલંકીએ અમારી માલિકીની જમીનમાં આ સેડ બનાવી દીધો છે, જેથી અમે શેડ તોડી પાડ્યો છે તેવું કહ્યું હતું.
આ ઘટના અંગેની જાણ 100 નંબર પર પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મામલો થાળી પાડ્યો હતો. ત્યાર બાદ સમાધાનના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ સમાધાન નહીં થતાં સરપંચ સરોજબેન જયેશભાઈ વસાવા દ્વારા ₹2,57,687નું નુકસાન કરનાર કુસુમબેન રતિલાલ સોલંકી, અતુલ રતિલાલ સોલંકી પુષ્પાબેન મહેન્દ્રભાઈ સોલંકી, દિલીપ રતિલાલ સોલંકી સહિત ચાર વિરુદ્ધ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.




