નર્મદા જિલ્લામાં જેટકો કંપનીના ટાવર ઉભા કરવાની કામગીરીને લઇને 3 દિવસ વીજપુરવઠો બંધ રહેવાથી ધરતીનો તાત આક્રોશમાં
જો વીજ પુરવઠો બંધ રહે અબે પાકને પાણી ન મળ્યું તો! નુકશાનીનું જવાબદાર કોણ? ખેડૂત કે પછી કંપની? કે પછી.... માય બાપ (!)

નર્મદા જિલ્લામાં ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય એમ જિલ્લામાં ત્રણ દિવસ સુધી એગ્રીકલ્ચર વીજ લાઈનો બંધ રહેવાની હોવાથી કેટલાક ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તેવી શક્યતાઓ છે.
હાલમાં ખેડૂતો કેળ જેવા પાકમાં પાણી પિવડાવવા માટે વીજપુરવઠા પર નિર્ભર હોય છે. ત્યારે ત્રણ દિવસ સુધી વીજળી નહીં મળવાથી પાણી ન આપી શકાતાં ખેતીમાં નુકસાન થવાની શક્યતાઓ છે.
વીજ કંપની માંથી મળતી માહિતી મુજબ રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લા માં જેટકો કંપની દ્વારા ટાવર ઉભા કરવાની કામગીરી ચાલુ કરતા આજથી ત્રણ દિવસ એટલે કે મંગળવાર, બુધવાર અને ગુરુવાર ના દિવસે એગ્રીકલ્ચર વીજ લાઈનો બંધ રાખવામાં આવી છે. ટાવરની કામગીરી પૂર્ણ થયે વીજ પુરવઠો ચાલુ કરાશે. જોક નર્મદા જિલ્લા માં કેળા પકવતા કેટલાક ખેડૂતો ત્રણ દિવસ પાકમાં પાણી નહિ મળે તો મુશ્કેલીમાં મુકાઈ શકે છે ૫રંતુ કેટલાક ખેડૂતોના જણાવ્યા મુજબ જો આગળથી ખેડૂતો એ કેળામાં પાણી આપ્યું હશે તેને કોઈ તકલીફ નહિ પડે બાકી ત્રણ દિવસમાં કેળાના પાકને નુકશાન થઈ શકે છે. વીજ વિભાગ દ્વારા ઉનાળામાં પ્રિ-મોન્સૂનની કામગીરીને લઇને અવારનવાર વીજ પૂરવઠો બંધ કરાય છે. જ્યારે ચોમાસામાં વરસાદને કારણે વીજળી વેરણ બને છે. ત્યારે હવે શિયાળામાં પણ વીજ કાપથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.




