તાપી

સોનગઢથી રાણીઆંબા જતાં રોડ બન્યો દુર્ગંધનો ગઢ

રાહાદારીઓ માટે બન્યો માથાનો દુખાવો, ચાલતા રાહદારીઓ તો ઉલ્ટી કરવી જ પડે તેવી સંભાવનાઓ

સોનગઢના સ્ટેશન રોડથી રાણીઆંબા ગામ તરફ જવાના શોર્ટકટ રોડની નજીકની ખુલ્લી જગ્યામાં છેલ્લા કેટલાંક સમયથી અજાણ્યા ઇસમો પશુના મૃતદેહ નાંખી જતા હોવાની ફરિયાદ ઉભી થઇ છે.આ કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો અને રાહદારીઓને ભારે દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે.

આ રસ્તો સોનગઢ તાલુકાના રાણીઆંબા થઈ લગભગ 25 જેટલાં ગામડાંને જોડતો અગત્યનો રસ્તો છે અને સાથોસાથ જ્યારે ચાંપાવાડી રેલવે ફાટક બંધ હોય ત્યારે પણ અહીં થી મોટા પ્રમાણમાં વાહન ચાલકો પસાર થાય છે. એ સાથે જ આ સ્થળની નજીક જ હાઇવે પહોળો કરતી વેળા અસરગ્રસ્ત બનેલાં લોકો માટેની વસાહત પણ આવેલી છે. આ રોડ પર લગભગ 500 મીટરનો રોડ સૂમસામ રહેતો હોય એનો લાભ લઇ રાત્રીના સમયે પશુના મૃતદેહ નાંખી જવામાં આવે છે. આ પશુના મૃતદેહનો લાંબા સમય સુધી નિકાલ કરવામાં આવતો ન હોય અહીંથી પસાર થતાં લોકો એ મોઢે રૂમાલ બાંધી પસાર થવું પડતું હોય છે.

આ અંગે કાંટીના સામાજિક કાર્યકર્તા નૈતિક ગામીતએ જણાવ્યું કે આવાં જાહેર રસ્તા પર પશુના મૃતદેહ નાખી જનાર સામે પગલાં ભરવાની જરૂર છે અને આ રોડ પર બંને તરફ મોટા પ્રમાણમાં કચરો પણ ખડકાયેલો હોવાથી એની પણ સાફસફાઈ કરાવવી એ આવશ્યક છે. રસ્તા નજીક ખુલ્લી જગ્યામાં પશુના મૃતદેહ નાંખી જવાના કારણસર ચોતરફ દુર્ગંધનું વાતાવરણ ઉભું થાય છે અને લોકોને અસહ્ય પરેશાની ભોગવવી પડી રહી છે.પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય ધ્યાન આપે તેવી માંગ ઉભી થઇ છે.

Related Articles

Back to top button