માંડવીના લીમધા ગામના બસ સ્ટેશન પાસે અકસ્માત

માંડવી તાલુકાના લીમધા ગામના બસ સ્ટેશન પાસે અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ફોરવ્હીલ ચાલકે બાઈકચાલકને અડફેટે લેતાં બાઈક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. તેઓને હોસ્પિટલ લઇ જવાતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામ ખાતે 50 વર્ષીય કરમસિંહભાઇ રામભાઇ વસાવા પરિવાર સાથે રહેતા હતા. તેઓ બાઈક પર લીમધા ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થઇ રહ્યા હતા. આ દરમ્યાન એક ફોરવ્હીલ ચાલકે તેઓની બાઈકને ટક્કર મારી હતી. જેમાં કરમસિંહ ભાઈને ગંભીર ઈજાઓ થઇ હતી.
બીજી તરફ તેઓને 108ની મદદથી માંડવીની સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા કરમસિંહભાઈના પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા.બીજી તરફ ફોરવ્હીલ કાર ચાલક રોહિતભાઇ બાબુભાઇ બોભરાને પણ ઈજા થઇ હોય તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ફોરવ્હીલ કાર ચાલક સામે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.




