ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિનો આક્ષેપ, ‘સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ બાબતે મનસ્વી એકતરફી નિર્ણય લેવાઇ છે’

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના જાતિ પ્રમાણપત્ર ખરાઈ બાબતે મનસ્વી એકતરફી નિર્ણય લેવાતો હોવાના આક્ષેપ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ કરી રહી છે. જેને લઈને કોંગ્રેસનાં નેતા સ્નેહલ ઠાકરેએ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને ડાંગ જિલ્લાના નિવાસી અધિક કલેકટરને આ અંગે વાંધા અરજી આપી હતી. આ વાંધા અરજીમાં જણાવ્યાનુસાર ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના સ્નેહલ ઠાકરેને 22મી નવેમ્બર 2024ના એર પત્ર મળ્યો હતો. જેમા રાજ્ય ચૂંટણી આયોગ મારફત ડાંગ જિલ્લાનાં નિવાસી અધિક કલેકટર અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારીને સૂચનો મળ્યા છે કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા સંભવિત ઉમેદવારોના આદિજાતિના પ્રમાણ પત્રોનુ ખરાઇ પ્રમાણપત્ર અગાઉથી મેળવી લેવું, કોઇપણ પ્રકારની ચૂંટણી હોય લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજયમાં જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા કે ગ્રામપંચાયત હોય મોટાભાગની ચૂંટણીમા સંભવિત ઉમેદવારો મોટા ભાગે સમય સંજોગોનુસાર બદલાતા રહે છે. વળી ખાસ પ્રકારના કિસ્સામાં પણ કાર્યકરો અને લોકલાગણી મુજબ દરેક માન્ય/અમાન્ય રાજકીય પક્ષોએ આખરના સમયમાં ઉમેદવારોને પણ બદલવા પડતા હોય છે. આવા કિસ્સામાં સંભવિત ઉમેદવારોનું જાતિ પ્રમાણપત્ર અગાઉથી ખરાઈ કરી રાખવાનો નિર્ણય મુશ્કેલી વધારે શકે તેમ છે તેમજ સંવિધાનના બંધારણીય અધિકારથી મળેલા હક મુજબ ચૂંટણી લડવાના અધિકારથી વંચિત પણ રહી શકે છે, કારણ કે અગમ્ય કારણોસર નક્કી કરેલા સંભવિત ઉમેદવાર ચૂંટણી લડવા સક્ષમ કે સમર્થ ન હોય તો આખરના સમયે કોઈ નવા ઉમેદવારને ચૂંટણી લડાવવા પક્ષ દ્વારા ઉભો કરાય ત્યારે એ વ્યક્તિ પાસે જાતિનું ખરાઇ કરાવેલુ પ્રમાણપત્ર ન હોવાનાં કિસ્સામાં એ ઉમેદવાર ગેરલાયક ઠરશે એ બાબત ગેરવ્યાજબી અને ગેરબંધારણીય છે. તેનો તેમને સખત વાંધો છે. સરકાર આ બાબતે જે નિર્ણય લે છે તે બાબતે તમામ રાજકીય માન્ય/અમાન્ય પક્ષોના અભિપ્રાય લેવા પણ એટલા જ જરૂરી છે.


