આહવામાં પેટ્રોલપંપ પર પુરવઠા વિભાગ દ્વારા રેડ કરી જથ્થો સીઝ કર્યો હતો, જે સીઝ કરેલો જથ્થો ન ખસેડતા સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલાયુ

આહવામાં આવેલ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ પર અગાઉ અનેક વાહન ચાલકોમાં પેટ્રોલ-ડીઝલમાં પાણીનું ભેળસેળ આવી રહ્યાની ફરિયાદ ઉઠી હતી. બાદમાં ફરિયાદનાં આધારે પુરવઠા વિભાગ દ્વારા રેડ કરી જથ્થો સીઝ કર્યો હતો, જે સીઝ કરેલો જથ્થો ન ખસેડતા સમગ્ર પ્રકરણમાં ભીનુ સંકેલાયુ હોવાની શક્યતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ડાંગના મુખ્ય મથક આહવામાં ઇન્ડિયન ઓઇલ કંપનીનું પેટ્રોલ પંપ આવેલો છે. આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલમાં ભેળસેળ અને પાણીનાં મિલાવટનાં પગલે અનેક વાહનો ખોટકાયા હોવાની ફરિયાદો ઉઠી હતી.
આ પેટ્રોલ પંપ પર ભેળસેળવાળુ પેટ્રોલ-ડીઝલનું વેચાણ કરાતું હોવાની ફરિયાદ વાહનચાલકોએ કરી હતી. જે તે સમયે અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જે બાદ જિલ્લા પુરવઠા વિભાગની ટીમ હરકતમાં આવી હતી અને ડાંગ જિલ્લા પુરવઠા વિભાગે અહીં રેડ કરી તપાસ હાથ ધરતા તપાસમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલની ટાંકીમાં પાણીની ભેળસેળ બહાર આવતા તંત્ર દ્વારા મોટાપાયે જથ્થો સહિત ટેન્કને સીઝ કરી કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
જોકે સ્થાનિક તંત્ર દ્વારા ભેળસેળયુક્ત જથ્થો સીઝ કર્યા બાદ લાંબા સમયથી ઇન્ડિયન ઓઇલ કંપની કે સ્થાનિક તંત્ર દ્વારા ત્યાંથી ન હટાવતા સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાયું હોવાની શક્યતા નકારી શકાતી નથી. આ બાબતે આહવા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપનાં મેનેજરે પાણીનું ભેળસેળયુક્ત પેટ્રોલનો મોટો જથ્થો તંત્ર દ્વારા સીઝ કર્યો હોવાનું સમર્થન આપ્યું હતું પરંતુ તે ત્યાંથી હજી સુધી ન હટાવ્યુ હોવાનું પણ જણાવતા સમગ્ર પ્રકરણમાં કંઈક રંધાયું હોવાનું જણાય રહ્યું છે. આહવા ઇન્ડિયન ઓઇલનાં પેટ્રોલ પંપનાં સંચાલકો સામે તંત્ર કાર્યવાહી કરશે કે પછી ચુપકીદી સેવી લેશે તે આવનાર સમય જ બતાવશે. જો કે સ્થાનિકોનો રોષ છે કે પંપ સંચાલક સામે કાર્યવાહી થાય.




