ભરૂચ

હાર્દિક જંબુસરની જે ટીમમાં રમતો હતો, ટીમના સ્થાપક સાથેના કૉલમાં સંસ્મરણો તાજા કર્યા

‘થેન્ક યુ, તમારા 400 રૂા. બહુ કામ આવતા હતા’ આ શબ્દો છે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના. વડોદરાના હાર્દિક અને કૃણાલ પંડ્યા આજે વિશ્વના ખ્યાતનામ ખેલાડીઓ બની ચૂકયા છે પણ તેઓ પહેલાં ભરૂચ સહિતના જિલ્લામાં સ્થાનિક સ્તરે ક્રિકેટ રમવા માટે આવતા હતા.

ભરૂચ જિલ્લાના જંબુસરની ઇગલ ટીમમાંથી બંને ભાઇઓ 2009થી 2011 સુધી ક્રિકેટ રમ્યા છે. ઇગલ ટીમના સ્થાપક અને જંબુસરના રહેવાસી ઝુબેર મૌલવીએ ગુરુવારના રોજ હાર્દિક પંડ્યા સાથે કરેલી વાતચીત સામે આવી છે. પંડ્યા બંધુઓ સાથે સંસ્મરણો વાગોળતાં હાર્દિક પંડ્યા ભાવુક થઇ ગયો હતો. ઝુબેર મૌલવીએ જણાવ્યું હતું કે હાર્દિક અને કૃણાલ બંને મારી ટીમમાંથી 2009, 2010 અને 2011 સુધી રમતાં હતા. તેઓ વડોદરાથી ટ્રેનમાં પાલેજ સુધી આવતા હતા. પાલેજ સ્ટેશન પરથી અમે તેમને લઇને ઇખર, ટંકારિયા કે વલણ જ્યાં મેચ હોય ત્યાં રમવા માટે જતા હતા. બંને ભાઇઓ ખૂબ પ્રતિભાશાળી હતા. તેઓ મેચ રમવા માટે કોઇ પૈસા લેતા ન હતા પણ અમે તેમને ભાડા અને જમવા માટે 400 રૂ. આપતા હતા.

2009થી હું કૃણાલ અને હાર્દિકના સંપર્કમાં છું અને વાતચીત થતી રહે છે. બંને ભાઇઓની ભારતીય ટીમમાં પસંદગી થાય તેવી મારી દુઆઓ હતી અને અમારી દુઆઓ રંગ લાવી છે. બંને ભાઇઓ આજે ખૂબ નામના મેળવી ચૂક્યા છે. ગુરુવારે બપોરે 2.15 વાગ્યાના અરસામાં હાર્દિક સાથે વીડિયોકોલથી વાતચીત કરી તેના હાલચાલ પૂછ્યા હતા. જ્યારે તેઓ મેચ રમવા ભરૂચ આવતા ત્યારે તેમના પિતા મને ફોન કરીને તેમના દીકરાઓ કેવું ક્રિકેટ રમે છે તે ખાસ પૂછતા હતા. બંને ભાઇઓ હજી પણ ખૂબ આગળ વધે તેવી અમારી દુઆઓ છે. બંને ભાઇઓને હું વડોદરા ખાતે પણ મળ્યો છું.

હાર્દિક પંડ્યા અને ઝુબૈર મૌલવી વચ્ચેની વાતચીત

મૌલવી : હાર્દિકભાઇ કેમ છો? શું છે શાંતિ છે?

હાર્દિક : શાંતિ. મૌલવી : ઉપરવાળાની કૃપા છે તમારા પર.

હાર્દિક : થેન્ક યુ, તમારા ચારસો રૂપિયા બહુ કામ આવતા હતા.

મૌલવી : હોય યાર.

હાર્દિક : મોટા ભાઇ 500 લેતા તા હું 400 લેતો હતો.

મૌલવી : ઉપરવાળાની કૃપા રહેશે જ તમારા પર.

હાર્દિક : બીજું શું છે મજામાં?

મૌલવી : હા, બસ મજામાં હાર્દિકભાઇ.

હાર્દિક : શાંતિ બધું.

મૌલવી : બસ શાંતિ છે હાર્દિકભાઇ, પપ્પા વખતે ફોન કર્યો તો કૃણાલને.

હાર્દિક : પપ્પા વખતે બહુ બધાના ફોન આવ્યા હતા.

મૌલવી : મેં કર્યો તો ધ્યાન રાખીને કર્યો તો.

હાર્દિક : થેન્ક યુ, તબિયત ઠીકને?

મૌલવી : આપો કૃણાલને આપો, હા, સારી છે સારી.

Related Articles

Back to top button