માંડવી

માંડવીમાં કોંગ્રેસ પક્ષમાં મહિલા સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ

રાષ્ટ્રીય પ્રભારી ઉષા નાયડુની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિતના નવા હોદ્દેદારોને નિમણૂક પત્રો એનાયત કરાયા

સુરત જિલ્લાના માંડવી તાલુકા મથક ખાતે રાષ્ટ્રીય કોંગ્રેસના દક્ષિણ ગુજરાત પ્રભારી ઉષા નાયડુ અને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ આનંદ ચૌધરીની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષ મહિલા સભ્ય નોંધણી ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો.

આ સમયે સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને સભ્ય નોંધણી કરાવી હતી. આ કાર્યક્રમમાં માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઉદેસિગભાઇ વસાવાને નિમણૂક આપવામાં આવી હતી. સાથે માંડવી નગરના પ્રમુખ તરીકે સંજય ઉપાધ્યાય, સુરત જિલ્લા કૉંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે સંતોષ મૈસુરીયા તેમજ રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠનના પ્રમુખ પદે ઈશાક કરોળિયા સહિતના નવા હોદ્દેદારોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાત કોંગ્રેસ પ્રભારી ઉષા નાયડુએ આ પ્રસંગે મહિલા સભ્યોની નોંધણી ઓનલાઇન એપ દ્વારા કરવા માટે સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, યુવાનો અને મહિલાઓ વધુમાં વધુ કોંગ્રેસ પક્ષના સભ્ય નોંધણી ઝુંબેશમાં જોડાઈ તે પ્રમાણેનું આયોજન કરવા કહ્યું હતું. જેથી આવનારી તાલુકા, જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફે પરિણામો આવી શકે.

જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનહર પટેલે જણાવ્યું કે, આવનારા દિવસોમાં સુરત જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં સભ્ય નોંધણી અભિયાન શરૂ કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ આનંદ ચૌધરી જણાવ્યું કે, હાલમાં મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચારનો વ્યાપ વધી રહ્યો છે. તે જોતાં સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી આગળ વધશે અને ભાજપના ભ્રષ્ટાચારી શાસનને જાકારો આપશે. આ પ્રસંગે સરસ્વતી ચૌધરી, નીતુબેન, ઉર્વશીબેન, પ્રદેશ મંત્રી હેમાંગી ગરાસીયા, કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ, માંગરોળ તાલુકા પ્રમુખ શામજીભાઈ, ધવલભાઇ, સ્નેહલભાઈ શાહ વગેરે આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button