સોનગઢના નિશાણા ગામે ચાલતી પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત

સોનગઢ તાલુકાના નિશાણા ગામ ખાતે ચાલતી પ્રાથમિક શાળાના બે ઓરડા અત્યંત જર્જરિત થઈ ગયા હોવાથી નાના નાના ભૂલકાંઓ ભય સાથે અભ્યાસ કરી રહ્યાં છે.વાલીઓ દ્વારા આ ઓરડા ઉતારી પાડવામાં આવે અને તેના સ્થાને નવા ઓરડા બનાવવા માટેની માંગ થઈ છે. સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શાળામાં ઓરડા ઘટનો પ્રશ્ન મોટો છે. ઘણી શાળામાં તો બબ્બે ધોરણ એક જ ઓરડામાં ચાલતાં હોવાનું પણ જોવા મળે છે.
આ સ્થિતિમાં જે પ્રા.શાળામાં હાલ ઓરડા ઉપલબ્ધ છે તે પણ બિસમાર થઈ રહ્યાં છે. તાલુકાના નિશાણા ગામ ખાતે તાપી જિલ્લા પંચાયત સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળા ચાલી રહી છે જેમાં ધોરણ એક થી પાંચ ના બાળકો ને આગળ ઓરડામાં બેસાડવામાં આવે છે જ્યારે પ્રાથમિક શાળાના ઓરડાની પાછળ બનેલાં નવા ઓરડામાં અન્ય વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે.
શાળાના આગળના ભાગમાં આવેલા ઓરડાઓ પૈકીના બે ઓરડાની દીવાલ પણ સાવ નકામી થઈ ગઈ છે અને તેનામાંથી પોપડા ઉખડેલા જોવા મળે છે. વળી દીવાલનું પ્લાસ્ટર પણ ઠેર ઠેર ઉખડી ગયું છે. એ સાથે જ આ ઓરડા બનાવ્યાને ઘણા વર્ષ વીતી ગયા હોવાથી તે બિસમાર પણ થઈ ગયેલા નરી આંખે જોઈ શકાય છે.
જો કે બિસમાર ઓરડામાં હાલ બાળકો ને બેસાડી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે નાના ભૂલકાઓ માટે ઓરડા જોખમકારક બની રહ્યાં છે. આ અંગે વાલીઓ દ્વારા આ બિસમાર ઓરડા ઉતારી લેવામાં આવે અને તેના સ્થાને નવા ઓરડા બનાવી આપવામાં આવે તેવી માંગ ઉભી થવા પામી છે. હાલ શાળામાં અભ્યાસ કરતાં ભૂલકાંઓ ભયના માહોલમાં એકડો ઘૂંટી રહ્યાં છે ત્યારે વહીવટી તંત્ર આ બાબતે ધ્યાન આપે એ જરૂરી છે.




