
ભાજપમાં ચાલતાં આંતરિક જુથવાદે રાજકીય માહોલ સાથે સહકારી ક્ષેત્રને પણ હવે ભીંસમાં લીધુ છે. સુમુલનું રાજકારણ હવે સુગર ફેક્ટરી અને અન્ય સહકારી સંસ્થાઓને પણ રાજકીય ઘમાસણમાં ખેંચી રહ્યું છે. સુમુલ ડેરીમાં મહુવા સુગરને આપેલા 10 કરોડ રૂપિયા બાબતે થયેલા વિવાદમાં સંસ્થાના ડિરેક્ટર અને વ્યારા સુગર ફેક્ટરીના કસ્ટોડિયન ઉપપ્રમુખ નરેશ પટેલે વિરોધ નોંધાવવાની ઘટના બાદ થયેલા ઘમાસાણને લીધે નરેશ પટેલે વ્યારા સુગરના ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી માનસિંહ પટેલ મનસ્વી પણે સંસ્થાનો વહીવટ કરતાં હોવાથી આ રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. તો બીજી તરફ માનસિંહ પટેલે જણાવ્યું હતું કે 15 વર્ષથી બંધ વ્યારા સુગરને કાર્યરત કરતાં સુગરના દલાલોના પેટમું દુખતા અલગ અલગ ષડયંત્ર રચી રહ્યાં છે.
ગત વર્ષમાં વ્યારા સુગર ફેક્ટરીના ખેડૂત સભાસદોને પિલાણ સિઝનના નાણાં ચૂકવવાના રૂપિયાની જરૂર હોવાથી વ્યારા સુગરના કસ્ટોડિયન પ્રમુખ માનસિંહ પટેલ કે જેઓ સુમુલ ડેરી તેમજ મહુવા સુગરના પ્રમુખ છે. તેમણે મહુવા સુગરમાંથી રૂપિયા લઈ વ્યારા સુગરના સભાસદોને પેમેન્ટ ચૂકવ્યું હતું. જેને અવેજી પેટે મહુવા સુગરે સુમુલ ડેરી પાસેથી 10 કરોડ રૂપિયા મોલાસીસના એડવાન્સ પેટે લીધા હતાં. જે અંગે સુમુલની બોર્ડની મિટિંગમાં 16 ડિરેક્ટરો પૈકી 9 ડિરેક્ટરોએ પોતાને વિશ્વાસમાં ન લેવાયો હોવાની રાવ સાથે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં વ્યારા સુગરના કસ્ટોડિયન ઉપપ્રમુખ નિરેશ પટેલ જોડતા માહોલ ગરમાયો હતો. આખરે જે સંસ્થાને ઊભી કરવાની જવાબદારી સરકારે નરેશ પટેલને સોંપી હતી તે જ સંસ્થામાં વિવાદમાં જોડાતા ભાજપ મોવડી મંડળે પણ ગંભીરતાથી નોંધ લીધી હતી. વિવાદ દરમિયાન શુક્રવાો નરેશ પટેલે ખાંડ નિયામકને પોતાનું ઉપપ્રમુખ પદેથી રાજીનામું મોકલી આપ્યું હતું. જેમાં તેઓ પોતે માનસિંહ પટેલ દ્વારા સુગરનો મનસ્વી વહીવટ થતો હોવાથી આ પદ ઉપરથી રાજીનામું આપે છે. તેવી જાહેરાત કરી હતી. ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ મંડળીના કસ્ટોડિયન કમિટીના ઉપપ્રમુખ નરેશ પટેલે ખાંડ નિયામક ગાંધીનગરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે વ્યારા સુગરના કસ્ટોડિયન ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ હતી. અને સંસ્થાના કસ્ટોડિયન કમિટીમાં પ્રમુખ તરીકે માનસિંહભાઈ પટેલની નિમણૂક થઈ હતી. સંસ્થાના પ્રમુખ માનસિંહ પટેલે મનસ્વીરીતે સભાસદોના હિત વિરુદ્ધ કૃત્ય કરવામાં આવી રહ્યાં છે. જે મને ધ્યાને આવ્યું હતું. જે સંજોગોને લઈ સભાસદોના હિતને નુકસાન થતાં સંસ્થાના ઉપપ્રમુખ તથા કમિટી સભ્યો તરીકે ચાલુ રહેવા માંગતા નથી. જેથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધુ હતુ. > નરેશ પટેલ, સહકારી આગેવાન આજે નીતિ મત્તાની વાત કરતાં નરેશ પટેલે સુબોધ દેસાઈ અને દિલીપ ભક્તની યાદ કર્યા હતાં. પરંતુ મહત્વની બાબત એ છે કે વર્ષ 2015 દરમિયાન ડિસ્ટ્રીક્ટ બેંકની સત્તા માટે નરેશ પટેલ પક્ષની મદદથી દિલીપ ભક્તને સત્તાથી દૂર કરી પ્રમુખ પદે બેઠા હતાં. જે તે સમયે દિલીપ ભક્ત અને અમરસિંહ ઝેડ ચૌધરીને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં હરાવી નરેશ પટેલ અને સંદીપ દેસાઈ સત્તામાં આવ્યા હતાં. નીતિમત્તાની વાત કરતાં નરેશ પટેલે દિલીપ ભક્તને સત્તાથી દૂર કર્યા હતાં
નરેશ પટેલનું રાજીનામું આપવાની વાત છથી સાત મહિના પહેલા મારી પાસે આવી હતી. પરંતુ રાજીનામું અંગે ત્યારે કોઈ નક્કર માહિતી ન હતી. મારી પાસે રાજીનામું આવ્યું નથી. રાજીનામું આપવું હોય તો ગુજરાત સરકારના સહકાર વિભાગમાં આપવું પડે છે. સુમુલ ડેરીએ કે મહુવા સુગર ફેક્ટરીને રૂપિયા ચૂકવ્યા તે બાબતે કોઈ માથાકુટ નથી. સુમુલના બોર્ડમાં ચર્ચા થઈ હતી, અને લેખિતમાં મને જાણ કરી છે. સુમુલડેરીને 18થી 20 હજાર ટન મોલાસીસની જરૂર પડે છે. દરેક સુગર પાસે ભાવ મંગાવ્યા હતાં, વ્યારા સુગરે પણ ભાવ આવ્યા હતાં. પરંતુ સીધુ વ્યારા સુગર પાસે ખરીદી થઈ શકે તેમ નહતું. જેથી મહુવા સુગરની મારફતે મોલાસીસની ખરીદી થઈ હતી. જેમાં સુમુલડેરી પાસે કોઈ લોન નહીં, પરંતુ એડવાન્સ પેટે રૂપિયા લીધા હતાં. બીજી તરફ 15 વર્ષથી બંધ વ્યારા સુગરને સરકારની સહાયથી કાર્યરત કરી છે. આ વિસ્તારના ખેડૂતોને ટનદીઠ 1000 રૂપિયા વધુ ચૂકવવામાં આવી રહ્યાં છે. જેથી દલાલોને તકલીફ થઈ રહી છે, અથવા કોઈ સુગરને તકલીફ થઈ રહી હોય. આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. > માનસિંહ પટેલ, વ્યારા સુગર ફેક્ટરીના કસ્ટોડિયન પ્રમુખ, સુમુલ ડેરી અને મહુવા સુગરના પ્રમુખ



