માંગરોળના મોલવણ ગામે મોટું ક્રેન નાના ક્રેન ઉપર પડતાં ચાલકનું મોત

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતાં ક્રેનચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને ક્રેનનો ખુરદો બોલી ગયો હતો. આ સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવાણ ગામ ખાતે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં નાના ક્રેન પર બીજું ક્રેન પડતાં એકનું મોત થયાની ઘટના બની છે. ઇન્ડસ્ટ્રીઝમાં સાયલો નામનું મશીન ફિટ કરવા માટે નાના અને મોટા એમ બે ક્રેન ભાડે મગાવવામાં આવ્યાં હતાં. આ દરમિયાન આ કામગીરી ચાલુ હતી. ત્યારે ભારે વજનને કારણે તેમજ જમીનમાં નવું માટી પુરાણ હોવાથી મોટું ક્રેન જમીનમાં દબાઈ ગઈ હતી અને સંતુલન ગુમાવી સીધું નાના ક્રેન ઉપર પડ્યું હતું.
રમકડાની જેમ-નાના ક્રેનનો ભુક્કો બોલી ગયો હતો
મશીનરી ચડાવતી વખતે ભારે વજનના કારણે મશીનરી એક તરફ ઝૂકી જતાં મોટા ક્રેને સંતુલન ગુમાવ્યું હતું અને એ નાના ક્રેન ઉપર પડતાં નાના ક્રેનનો ભુક્કો બોલી ગયો હતો અને ક્રેનમાં સવાર 22 વર્ષીય ચાલક શાહિદ પઠાણને ગંભીર છાતી, કપાળ, બન્ને પગના ભાગે ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવવાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેણે મૃતક યુવકના સાળાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.
પરિવારના એકના એક કમાઉ દીકરાનું મોત થતાં પરિવાર પર આભ તૂટ્યું
મૃતક શાહિદ, જે પરિવારના માત્ર એક જ કમાઉ વ્યક્તિ હતો અને બે બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ ગયો. એક બહેન સાસરે છે જ્યારે પોતાની 17 વર્ષની બહેન અને માતાની સાથે રહી ક્રેન ભાડે લઈ જઈને પોતે ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એકના એક દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે.




