માંડવી-ઝંખવાવ રોડ લાંબાગાળાથી અત્યંત બિસ્માર; વાહન ચાલકો માટે માથાના દુઃખાવો બની ગયો

માંડવી-ઝંખવાવ રોડ લાંબાગાળાથી અત્યંત બિસ્માર હાલતમાં છે. વારંવાર રજૂઆત કરતા માત્ર ચોમાસા દરમિયાન પડેલા ખાડાને પેચ વર્ક કરીને છોડી દેવામાં આવ્યા હતા. હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઠેર ઠેર ખાડા પડ્યા છે. લોકો માટે માથાના દુઃખાવા બની ગયા છે. છતાં રીપેરીગ કરવામાં આવતા નથી. બારડોલી સાંસદ આ વિસ્તારના હોવા છતાં માર્ગને સુવિધાજનક બનાવવા નબળા સાબિત થયા હોવાનો લોકોમાં રોષ છે.
માંડવી-ઝંખવાવ રોડ આજુબાજુના ગામના લોકો માટે જીવાદોરી સમાન છે જ્યાં મોટા ભાગના લોકો અવર જવર માટે રોડનો ઉપયોગ કરે છે. ખાડાઓના કારણે ખડખડધજ રોડ પર પોતાનો જીવ જોખમમાં મૂકીને અવર જવર કરી રહ્યા છે. સ્થાનિક નેતા પણ રજૂઆત કરી ચુક્યા છે, પરતું રોડ બાબતના પ્રશ્નનો નિરાકરણ આવ્યું નથી. જેના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જોકે માંડવી તાલુકામાં ગામોના અંદરના રોડ ખૂબ જ સારા બની ગયા છે. પરંતુ મુખ્ય હાઇવે જ બિસ્માર બની જતા દિવસ રાત દરમિયાન લોકોના જીવ પડીકે બંધાયા છે. ખાસ કરીને સ્કૂલો કોલેજમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ સરકારી બસનો ઉપયોગ કરે છે. તેમજ ભારે વાહનો પણ હાઇવે પરથી પસાર થાય છે જેથી અકસ્માતનું જોખમ વધી જતાં તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લઈને રોડને બનાવવામાં આવે તેવી લોક માગ થઈ રહી છે.




