ડોલવણના દાદરી ફળિયામાં ઉનાળા પહેલા જ પાણીની સમસ્યા
પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી એક વર્ષમાં જ શોભાના ગાંઠીયા સમાન બની

ડોલવણ તાલુકાના દાદરી ફળિયામાં પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી એક વર્ષમાં જ શોભાના ગાંઠીયા સમાન બની છે.આ બનાવવામાં આવેલી પાણીની ટાંકીમાં પાણી પહોંચ્યું નથી. ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ નિરાકરણ નહીં આવતા સ્થાનિક લોકોમાં ભભૂકતો રોષ ફેલાયો છે. તાત્કાલિક અસરથી પાણી પહોંચાડવામાં આવે એવી લોક માંગ છે.
ડોલવણ ગામના દાદરી ફળિયામાં પાણી પુરવઠાની યોજના હેઠળ 2023- 24 માં 50 હજાર લીટરની પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પરંતુ ટાંકામાં પાણી પડે છે પરંતુ આ પાણી ચોમાસા દરમિયાન એક જ ભરવામાં આવ્યું હતું ત્યારબાદ આજ દિન સુધી પાણી ટાંકીમાં પહોંચ્યું નથી જેને પગલે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. દાદરી ફળિયામાં પાણીની ટાંકી ઉપર પાણી નહીં પહોંચતાં ગ્રામજનોએ ગ્રામ પંચાયતના સભ્યોને વીસ દિવસ પહેલા રજૂઆત કરી હોવા છતાં પણ નિરાકરણ આવ્યું નથી.ગામમાં ઠેર ઠેર નળ પણ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે . જેને પગલે સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સરકાર દ્વારા બનાવવામાં આવેલી પાણીની ટાંકી શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. સંબંધિત અધિકારીઓ દ્વારા પાણીની ટાંકીમાં પાણી પહોંચતું કરાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.




