
નેત્રંગ તાલુકામાં કેન્દ્ર સરકારની પીએમ કુસુમ સૌર યોજનામાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો પર્દાફાશ થતાં વન વિભાગમાં દોડધામ મચી હતી. વિવાદોમાં ઘેરાયેલાં મહીલા ફોરેસ્ટરની તાત્કાલિક અસરથી વ્યારા ખાતે બદલી કરી નાંખવામાં આવી છે.
પીએમ કુસુમ સૌરપંપ આપવાની યોજનામાં નેત્રંગ વન વિભાગનની મહિલા રાઉન્ડ ફોરેસ્ટરે ગરીબ આદિવાસી સમાજના ખેડુતોને એનકેન પ્રકારે પોતાની માયાજાળમાં ફસાવી રૂ.6000 ની ગેરકાયદેસર વસુલાત-ઉઘરાવ્યા હોવાનો મોટો ઘટોસ્ફોટ થયો છે.મોવી ,યાલ, ખરેઠા, વાલપોર,ગાલીબા,કુંડ,શણકોઈ અને મુંગજ-મચામડી ગામના ખેડુતોને ખેતરમાં સૌરપંપ લગાવી આપવાના બહાને લાખો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની ફરિયાદો ઉઠી હતી.
અગાઉ આ જ ફોરેસ્ટરનો હું જ આરએફઓમાં આવવાની છું એવો ઓડિયો આવ્યા બાદ ગેરકાયદેસર રૂપિયાની ઉઘરાણી બાબતે નેત્રંગ ફોરેસ્ટરે પોતાના હાથે લખેલ હિસાબ-કિતાબ બહાર પડ્યો છે.જેમાં નેત્રંગ તાલુકાના વિવિધ ગામના ખેડુતો પાસેથી રૂ.6000 ઉઘરાવ્યા અને મોટી રકમ એજન્સીના માલીકને આપ્યાનું લખવામાં આવ્યું છે. સૌરપંપ માટે 6000 રૂા. લેવામાં આવ્યાં હોવા છતાં હજી ખેડૂતોને યોજનાનો લાભ મળ્યો નથી. જો કે ફોરેસ્ટરે આ આરોપોને નકારી કાઢયાં હતાં.



