વાંસદાની 34 આંગણવાડી જર્જરિત, બાળકો ભાડાના મકાનમાં બેસી ભણવા મજબૂર

વાંસદા તાલુકાના ઘણા ગામડાઓની જર્જરિત આંગણવાડીઓ દોઢથી બે વર્ષોથી વહીવટી ગુંચને કારણે નહીં બનતા કડકડતી ઠંડીમાં નાના ભુલકાઓએ ખુલ્લા પતરાના શેડની નીચે, કોઈકના ઓટલા પર તેમજ ગામના અન્ય સરકારી મકાનોમાં અભ્યાસ કરવો પડે છે. ઘણી આંગણવાડીઓની ગ્રાન્ટ પણ આવી છે, પણ અધિકારીઓની આડાઇને કારણે આંગણવાડીનું મકાન બન્યુ નથી અને બાળકોને મુશ્કેલી સાથે ભણવુ મજબૂરી બની છે.
વાંસદા તાલુકાની કેટલીક આંગણવાડીઓના મકાનો જર્જર થતા તેને નવા બનાવવાની સરકારમાં રજૂઆતો થઇ હતી. આ આંગણવાડીઓના નવા મકાન દોઢ વર્ષ અગાઉ મજૂર થતા, જર્જર આંગણવાડીઓ તોડી પડાઇ હતી. કેન્દ્ર સરકારની મનરેગા યોજના હેઠળ આ આંગણવાડીઓના મકાન બનાવવા પ્રતિ આંગણવાડી અંદાજે 10 લાખની ગ્રાન્ટ પણ ફાળવાઇ છે. પરંતુ ક્યાંક જગ્યાના અભાવે, ક્યાંક જગ્યા મળી, તો જમીન માલિક પાસે જગ્યા મેળવવામાં ગુંચવણવાળી અધિકારીઓની પદ્ધતિને કારણે છેલ્લા દોઢ વર્ષ કે તેથી વધુ સમયથી આંગણવાડીના મકાનો બની શક્યા નથી. જેને કારણે નાના ભુલકાઓએ ખુલ્લામાં કડકડતી ઠંડીમાં કોઈકના ઓટલે અથવા પતરાનાં શેડમાં બેસીને ભણવા પડી રહ્યુ છે. આદિવાસી બાળકોને પડતી મુશ્કેલી મુદ્દે કોંગી ધારાસભ્ય અનંત પટેલે અનેક જગ્યાએ રજૂઆતો કરી છે. સાથે જ જો ટૂંક સમયમાં આંગણવાડીના કામ શરૂ ન થાય તો તાલુકા પંચાયત બહાર ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
વાંસદાની જર્જર 34 આંગણવાડીઓમાં બે ઉનાઇ ગામની છે. જેમાં ચરવી ફળિયામાં આવેલી આંગણવાડી જર્જર થતા બંધ કરવામાં આવી અને અહીં અભ્યાસ કરતા 19 બાળકોએ દોઢ વર્ષથી આકરા તાપ, ભારે વરસાદ કે હાલની હાડ થીજાવતી કડકડતી ઠંડીમાં પણ જર્જર આંગણવાડી નજીક જ આવેલા પતરાના શેડ નીચે સુવિધાના અભાવમાં મજબૂરી વશ અભ્યાસ કરવો પડી રહ્યો છે. આંગણવાડીનું મકાન ન હોવાથી કાર્યકરને તેમના માટે નાસ્તો બનાવાની પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે. બાજુમાં રહેતો પરિવાર પોતાની જગ્યા આંગણવાડી માટે દાન કરવા તૈયાર છે, પણ અધિકારી જમીનના દસ્તાવેજને લઇ એક પછી એક ગુંચ ઉભી કરતા જમીન દાતા પણ અકળાયા છે. ત્યારે ગામના સરપંચે ગામની 5 માંથી બે જર્જર આંગણવાડી વહેલી બને એવી આશા સેવી રહ્યા છે. એજ પ્રકારે સરા ગામે ઓટલા પર આંગણવાડી ચાલે છે. જયારે દુબળ ફળિયા, વાઘાબારી, કુરેલિયા જેવા ગામડાઓમાં ક્યાંક પંચાયતના મકાનમાં, ક્યાંક દૂધ મંડળીના મકાનમાં, ક્યાંક ખાનગી માલિકીનાં મકાનમાં બાળકો ભણી રહ્યા છે. કુરેલિયા ગામે આંગણવાડી જર્જર થતા અહીં આવતા ભુલકાઓને ક્યાં બેસાડવા એની ચિંતા હતી. અંતે ગામની દૂધ મંડળીના મકાનને નજીવા ભાડે લઇ બાળકોને યોગ્ય શૈક્ષણિક વાતાવારણના અભાવમાં ભણવું પડે છે.
વાંસદા તાલુકામાં જર્જર આંગણવાડીઓની જગ્યાએ નવી આંગણવાડીઓ બની ન હોવાનું જાણતા જ વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ પણ એક્શન મોડમાં આવ્યા છે. ધવલ પટેલે ક્યા કારણે આંગણવાડીઓનું નિર્માણ અટક્યુ છે એની માહિતી મેળવી આગામી એક મહિનામાં તમામ સમસ્યાનું નિરાકણ લાવવામાં આવે એવી સૂચના અધિકારીઓને આપી હતી. જેની સાથે જ ગુજરાત સરકાર દ્વારા 1200 કરોડના ખર્ચે ત્વરિત નિર્માણ થઇ શકે એવી પ્રિ કાસ્ટ આંગણવાડીઓ બનાવવાનું આયોજન કર્યુ છે, જેમાં નવસારીમાં 200 અને વાંસદામાં 20 આંગણવાડીઓ બનશે. જેથી વાંસદાના આદિવાસી બાળકોને શિક્ષણમાં કોઈ મુશ્કેલી ન પડે એની તકેદારી રાખવાની તૈયારી દર્શાવી છે.
વાંસદા તાલુકામાં યોજના અને તેની ગ્રાન્ટ હોવા છતાં જર્જર આંગણવાડીઓ દોઢ વર્ષથી વધુ સમયથી બની નથી. ત્યારે આકરા તાપ, ભારે વરસાદ અને કડકડતી ઠંડીમાં પણ બાળકો કોઈકના ઓટલે કે પતરાના શેડમાં ભણી રહ્યા હોવાની વાતે એક નેતાએ ધરણા કરી સમસ્યાનું સમાધાન લાવવા, તો યુવા સાંસદે એક મહિનામાં આંગણવાડીની સમસ્યાનું નિરાકરણ લાવવાની તૈયારી દર્શાવી છે.
વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ જણાવે છે કે વાંસદામાં છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડી જર્જરીત થતા તેને તોડી નાખવામાં આવી હતી, આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવા છતાં પણ હજુ સુધી હજુ સુધી આંગણવાડી બનાવવામાં આવી નથી તાલુકાના ઉનાઈની આંગણવાડી પણ જર્જરીત છે, ત્યાં નવી મકાન બનાવવાની વાત હતી, ત્યાં આજ સુધી મકાન બન્યું નથી એની અંદર પણ અત્યંત જર્જરી આંગણવાડી છે એ પણ ત્યાંના નજીકના ઓરડામાં ચાલે છે તાલુકા વિકાસ અધિકારીને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ નરેગામાંથી મંજૂર થઈ છે એ આંગણવાડી ઓછા એસ્ટીમેન્ટને કારણે બનતી નથી તેમાં બાળકોનો શું વાંક આવનારા દિવસોમાં જો આંગણવાડી નહીં બનાવવામાં આવે તો અમે ધરણા પ્રદર્શન કરીશું.
ઉનાઈ ગામના સરપંચ મનીષ પટેલ જણાવે છે કે અમારા ગામમાં પાંચ આંગણવાડી છે જેમાંથી બે જર્જરીત થવાને કારણે બંધ કરવામાં આવી છે, પરંતુ એની વ્યવસ્થા થઈ નથી તેના કારણે છોકરાને પતરાના શેડમાં બેસવું પડે છે, અધિકારીને વારંવાર રજૂઆત કરી છે કે છોકરા માટે કંઈક કરો તો કહે છે કે ગ્રાન્ટ તો મંજૂર થઈ ગઈ છે પરંતુ દોઢ વર્ષ થઈ ગયું હોવા છતાં છોકરાઓએ પતરાના શેડ નીચે ભણવું પડે છે આટલો બધો વરસાદને ઠંડી ગરમી હોવા છતાં પણ બાળકો દરેક ઋતુમાં પત્રના શેડ નીચે ભણવા મજબૂર બન્યા છે, અધિકારીઓ અમને જમીનના વિવાદની વાત કરે છે
વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ જણાવે છે કે ડીડીઓ સાથે સંકલન કરીને મેં તમામ ડેટા મંગાવ્યા છે જિલ્લામાં 277 આંગણવાડી આવી છે, જેમાં જર્જરીત 83 હોવાનું સામે આવ્યું છે, 72 માં આયોજન થઈ ગયું છે અને 48 માં કામ પ્રગતિ હેઠળ છે હાલમાં ભાડામાં જે 74 આંગણવાડી કાર્યરત છે, એમાં વાંસદામાં જે પણ જર્જરીત આંગણવાડી છે,તેમાં વિકાસ મોડેલથી કામ કરવામાં આવશે, જે પણ આંગણવાડીનું કામ અઠવાડિયું હોય તે ગૂંચ ઉકેલીને અમે અધિકારીઓ સાથે સંકલન કરીશું અને તે કામ વહેલી તકે પૂર્ણ થાય તેવા પ્રયત્નો રહેશે.




