વાંસદા તાલુકાના લીમઝર ભગરપાડા ફળિયામાંથી વાંસકુઇ ગામ તરફ જતો રસ્તો ખખડધજ બન્યો

વાંસદા તાલુકાના લીમઝર ભગરપાડા ફળિયામાંથી વાંસકુઇ ગામ તરફ જતો રસ્તો ખખડધજ બન્યો હતો. આ રસ્તાની કામગીરી શરૂ કરી એક માસ પહેલા રોડ પર કપચી પાથર્યા બાદ કામગીરી નહીં કરતા આ વિસ્તારના ખેડૂતો તથા દૂધ ભરવા જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાંસદા તાલુકાના લીમઝર ગામના ભગરપાડા ફળિયામાંથી વાંસકુઈ ગામ તરફ જતો રસ્તો ખખડધજ બન્યો હતો. આ અંગે વારંવાર રજૂઆત કર્યા બાદ રસ્તાની કામગીરી શરૂ કરી હતી. અંદાજિત એક માસ પૂર્વે આ રસ્તા પર કપચી પાથરી આગળ કામ ચાલુ છે તેવું બોર્ડ લગાવ્યું હતું.
બાદમાં એક માસ વિતવા છતાં કોન્ટ્રાકટર દ્વારા આ રસ્તાની કામગીરી શરૂ કરાઇ નથી. જેથી આ વિસ્તારના લોકો બાઈક પર દૂધ ભરવા કે ઢોરો માટે ઘાસચારા માટે જતા પશુપાલકો અને ખેતીકામે જતા ખેડૂતોએ છેલ્લા એક માસથી હાલાકી ભોગવી રહ્યાં છે. બાઈક ચાલકો રાત્રિના સમયે કપચીને લઈ પડવાના બનાવો પણ બની રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તાની કામગીરી શરૂ કરાવી પડતી હાલાકી દૂર કરે એવી આ વિસ્તારના લોકોની માંગ છે.
ઘણીવાર બાઇક સ્લીપ થતા દૂધ ઢોળાય જાય છે
આ રસ્તા પર કપચી નાંખ્યાને એક માસ જેટલો સમય વિતી ગયો છે. અમારે દૂધ ભરવા જવું કે ઢોરો માટે ઘાસચારો લાવવા ઘણી મુશ્કેલી ઊભી થાય છે. ઘણીવાર બાઇક સ્લીપ થઇ જવાથી દૂધ પણ ઢોળાય જાય છે અને નુકસાની ભોગવવી પડે છે. જેથી આ રસ્તાનું કામ જલદી શરૂ થાય એવી માગ છે. –કનુભાઈ પટેલ, ખેડૂત




