ડાંગના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની દીકરી ઓપીના ભીલારે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી
13થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન દિલ્હીમાં યોજાનાર પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં તેણીની ભારતીય ટીમમાં પસંદગી થઈ

ગુજરાતના ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના બીલીઆંબા ગામની દીકરી ઓપીના ભીલારે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આગામી 13થી 19 જાન્યુઆરી, 2025 દરમિયાન દિલ્હીમાં યોજાનાર પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં તેણીની ભારતીય ટીમમાં પસંદગી થઈ છે.
ખેતી કરતા પરિવારની દીકરી ઓપીનાએ બીલીઆંબા પ્રાથમિક શાળામાં ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, વર્ષ 2014-15થી વ્યારા ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ખો-ખોની તાલીમ શરૂ કરી. તેણીએ 2017થી 2021 સુધી ‘ખેલો ઇન્ડિયા સ્કીમ’નો લાભ મેળવ્યો અને હાલમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં ખો-ખો રમતમાં ડિપ્લોમા કોર્સ કરી રહી છે.
ઓપીનાની રમત કારકિર્દી ઉજ્જવળ રહી છે. તેણીએ રાજ્યકક્ષાની 4 સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. 14 રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈને 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. આદિવાસી વિસ્તારમાંથી આવતી આ યુવતિની સફળતાએ સમગ્ર ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ કપમાં તેની પસંદગીથી સમગ્ર રાજ્યના ખો-ખો પ્રેમીઓ ઉત્સાહિત છે અને તેને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.



