નર્મદા

કુબેર ડિંડોરે કહ્યું- મોદીને કહી અલગ ભીલ પ્રદેશ તો કાલે બનાવી દઈએ, રેવન્યુ ક્યાંથી લાવીશું?

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અલગ ભીલ પ્રદેશની માગણી વચ્ચે રાજ્યના શિક્ષણમંત્રીએ એક કાર્યક્રમમાં નિવેદન આપતાં કહ્યું હતું કે ચૈતર વસાવા તો છેતર વસાવા છે, કોઈ ભરમાશો નહીં. PM મોદીને કહીને અલગ ભીલ પ્રદેશ તો કાલે બનાવી દઈએ, પણ એને ચલાવીશું કઈ રીતે, રેવન્યુ ક્યાંથી લાવીશું? પ્રાંતવાદમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાનની હાલત જુઓ. બીજી તરફ આ મુદ્દે ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે કે ભીલ પ્રદેશ પાસે ખનિજ, જળ, જંગલ, પથ્થર જેવી અનેક વસ્તુઓ છે જેમાંથી અમે કરોડો રૂપિયાની રેવન્યુ જનરેટ કરીએ છીએ.

જિલ્લા પંતાયતથી લઈ રાષ્ટ્રપતિ ભવન સુધી આદિવાસી

ગત રાત્રે રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર હાજર રહ્યા હતા, જેમની સાથે સાંસદ મનસુખ વસાવા, પૂર્વ ધારાસભ્ય પી. ડી. વસાવા, એકલવ્ય મોડલ સ્કૂલના ડાયરેક્ટર અર્જુન ચૌધરી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે કહ્યું હતું કે કેટલાક લોકો પ્રાંતવાદ અને જાતિવાદ ફેલાવવાની વાત કરી રહ્યા છે. યુવાનોએ આવા લોકોથી ભ્રમિત થવું નહીં. આપણે સાચી હકીકત જાણવાની જરૂર છે. રાજકારણમાં પણ અનામતનો અમલ થઇ રહ્યો છે. ગ્રામપંચાયતના સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્યો પણ આદિવાસી છે. હું પણ આદિવાસી છું અને સરકારમાં મંત્રી છું. આ દેશના રાષ્ટ્રપતિ પણ આદિવાસી છે.

આદિવાસી સમાજના લોકો ક્યાં ઉદ્યોગપતિઓ છે?

તેમણે કહ્યું હતું કે ચૈતર વસાવા છેતર વાસાવા છે. તે લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે. તે અલગ ભીલ પ્રદેશની માગણી કરે છે અને કેવડિયાને રાજધાનની બનાવવાની વાત કરે છે. અલગ ભીલ પ્રદેશ તો અમે અને મનસુખ વસાવા વડાપ્રધાન મોદીને મળીને કાલે જાહેર કરાવી દઇએ અને એક અલગ જ રાજ્ય માગી લઈએ, પરંતુ શાસનને ચલાવવાનું કઇ રીતે? રેવન્યુ ક્યાંથી લાવવાની? આપણે કેટલા લોકો ટેક્સ ભરીએ છીએ? 140 કરોડ લોકોમાંથી માત્ર 8 કરોડ લોકો જ ટેક્સ ભરે છે. આદિવાસી સમાજના લોકો ક્યાં ઉદ્યોગપતિઓ છે? આપણે ક્યાં ટેક્સ ભરીએ છીએ? પ્રાંતવાદના નામે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ થયા, જુઓ આજે તેમની શું દશા છે.

આપણે તો ઘર ચલાવી શકતા નથી ને અલગ ભીલ પ્રદેશની માગણી કરીએ છીએ

કુબેર ડિંડોરે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી ઉદ્યોગપતિઓ અને કર્મચારીઓ પાસેથી ટેક્સ લઇને ગરીબો માટેની યોજનાઓ અને શિક્ષણ માટે ખર્ચ કરી રહ્યા છે. આપણે તો ઘર ચલાવી શકતા નથી ને અલગ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે. આપણી પાસે શું ખૂટે છે? બધી વ્યવસ્થા દેશ અને રાજ્યની સરકાર દ્વારા કરાઇ છે, પરંતુ કેટલાક લોકો પોતાનો રાજકીય રોટલો શેકવા જનતાને ભ્રમિત કરી રહ્યા છે.

ચૈતર વસાવાનો વળતો જવાબ

કુબેર ડિંડોરના નિવેદન પર વળતો જવાબ આપતા છોટાઉદેપુર જિલ્લાના ટૂંડવા ગામે રાઠ વિસ્તાર યુવાનો દ્વારા આયોજિત આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું કે શિક્ષણ મંત્રી શાળાના કાર્યક્રમમા આવ્યા છો તો શિક્ષણની વાત કરો. તમારે એ ચિંતન કરવું જોઈએ કે આદિવાસી વિસ્તારમાં નકલી કોલેજો, ચાલે છે. એક શિક્ષકેથી આ વિસ્તારમાં હજારો શાળા ચાલે છે. જે આદિવાસી બાળકોને શિષ્યવૃત્તિ મળતી તે બંધ કરી છે તે ખુલાસો આપવો જોઇએ. એની જગ્યા એ ચૈતર વસાવા શું કરે છે એ વાત કરે છે.

રેવન્યુ માટે ખનિજ, જળ, જંગલ છે

ચૈતર વસાવાએ કહ્યું કે, શિક્ષણ મંત્રી કહેતા હતા કે કાલે ભીલ પ્રદેશ આપી દઇશું. તો તેમને જણાવી દઈએ કે ખનિજ, જળ, જંગલ, પથ્થર જેવી અનેક વસ્તુની અમે કરોડો રૂપિયાની રેવન્યુ જનરેટ કરીએ છીએ. અમે ભીખ નથી માંગતા. અમે સવારથી મચિસથી લઇ દરેક વસ્તુનો ટેક્સ ચૂકવીએ છે. તમે અહીં આવી ફાંકા ફોજદારી કરો છો પણ સંગઠન અને સરકારમા તો તમારું કંઈ ઉપજતું નથી. તમે સમાજ માટે કામ કરો. વિધાનસભામાં 27 જેટલા આદિવાસી ધારાસભ્યો ત્યાં બેસે છે. જે દિવસે તમે અમારી માંગણી પુરી કારસો તો અમે તમારી પીઠ થાપડીશું. 73 AA ની જમીન માટે કોઈ આદિવાસી નેતા બોલવા તૈયાર નથી. બધાને પોતાની ટિકિટોની પડી છે. જ્યારે પાર્ટી ઊંચી આંગળી કરવા કહે ત્યારે ઊંચી આંગળી કરે છે. બે હાથ જોડીશું એટલે તાલુકાની ટિકિટ મળશે, પગે પડે એટલે જિલ્લાની ટિકિટ મળશે. અને ઊંધા પડી દંડવત કરે તો ધારાસભ્યની ટિકિટ મળે છે. એજ આપડા નેતા આ પાર્ટીમાં કરી રહ્યા છે.

Related Articles

Back to top button