
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ખાતે નેશનલ હાઈવે-48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. માંડવી તાલુકાના અરેઠ ગામની કોલોની ફળિયામાં રહેતા 18 વર્ષીય અભય જીવનાથ રાઠોડ પોતાની KTM બાઈક (નંબર GJ-19-BN-0096) લઈને પીપોદરા ગામની સીમમાં હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા.
દરમિયાન, પાછળથી આવી રહેલા કોઈ અજાણ્યા વાહને તેમની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે અભયને ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં કોસંબા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી ફરાર થયેલા વાહનચાલકને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.




