કેન્દ્ર સરકારની ટીમે ભરૂચ જિલ્લાની GIDCઓમાં જંતુનાશક દવાઓની તપાસ આદરી
3 કંપની અને રિટેઇલરોને ત્યાં ચેકિંગ કર્યું

ગુજરાતમાં નકલીઓનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે નકલી જંતુનાશક દવાઓના વેચાણના સંદર્ભમાં કેન્દ્ર સરકારની ટીમોએ ભરૂચ જિલ્લાની વિવિધ જીઆઇડીસીઓમાં તપાસ આદરી હતી. 3 કંપનીઓ તથા રીટેઇલરો પાસેથી દવાઓના નમૂના લઇને તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.
ભરૂચ જિલ્લામાં આવેલી જુદી જુદી જંતુનાશક દવાઓ બનાવતી કંપનીમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓએ બે દિવસનું સંયુક્ત ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને સારી ગુણવત્તાની જંતુનાશક દવાઓ મળી રહે અને ડુપ્લીકેટ તેમજ રજીસ્ટ્રેશન વગર ની જંતુનાશક દવાઓ બનતી અટકાવવા માટે અંકલેશ્વર પાનોલી દહેજ ખાતે કુલ સાત જેટલી કંપનીઓ માં સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. જે અંતર્ગત ત્રણ કંપનીઓમાંથી જંતુનાશક દવાઓના 10 નમૂના લેવામાં આવ્યા હતા. તેમની સાથે સાથે રિટેલર્સ દુકાનો માથી 7 જેટલા જંતુનાશક દવા ના નમૂના લેવામાં આવ્યા હતા.
આમ 17 જેટલા નમૂના લઈને ભારત અને ગુજરાત સરકારની નોટિફાઇડ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. જેના પરિણામ ના આધારે કંપની અને રિટેલર્સ પર ગુનો દાખલ કરવામાં આવી શકે છે. આ સંયુક્ત તપાસ ટીમમાં બરોડા ડિવિઝનના સંયુક્ત ખેતી નિયામક એમ એમ પટેલ, મદદનીશ ખેતી નિયામક સીમા ભદોરીયા અને ભારત સરકાર માંથી ચરતલાલ મીણા અને તાલુકાના અધિકારીઓએ પણ તપાસમાં જોડાયા હતા. ઉલેખનીય છે કે, હાલ રવિ પાકના વાવેતર બાદ ખેડૂતોને ખેતી પાક માં જંતુનાશક દવાનો છંટકાવ કરતા હોય છે. ત્યારે ખેડૂતોને યોગ્ય દવાઓ મળી રહે અને ખેડૂતોને ડુપ્લીકેટ દવાઓ કોઈ પધરાવી નહીં દેવાય તે માટે તપાસ હાથ ધરવામાં આવી હતી.




