નર્મદા

રાજપીપળામાં પણ નર્મદા યોજના અસરગ્રસ્તોની મોટી માંગણી

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ ગુજરાતના અસરગ્રસ્તોને પણ વળતર આપવા માંગ

રાજપીપળામાં નર્મદા યોજનાના અસરગ્રસ્ત પરિવારોએ નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. અસરગ્રસ્તોની માંગ છે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અસરગ્રસ્ત પરિવારોની જેમ ગુજરાતના અસરગ્રસ્તોને પણ સમાન લાભો મળવા જોઈએ.

અસરગ્રસ્તોએ જણાવ્યું કે 2016માં કેવડિયા ખાતે પ્રતીક ઉપવાસ આંદોલન કર્યું હતું. 2017માં કટ ઓફ ડેટ અને નોકરીની માંગણી અંગે સમાધાન થયું હતું, જેમાં તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શબ્દશરણ તડવીએ લેખિત બાંહેધરી આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આ બાંહેધરી ન મળતાં ફરી ઉપવાસ આંદોલન કરવું પડ્યું હતું.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મધ્યપ્રદેશના 681 અસરગ્રસ્ત પરિવારોને 60 લાખ રૂપિયા અને 1358 પરિવારોને 15 લાખ રૂપિયાનું વળતર મળ્યું છે. મહારાષ્ટ્રના અસરગ્રસ્તોને 2005 સુધીમાં ગુજરાતના માર્ગદર્શન હેઠળ તમામ લાભો આપવામાં આવ્યા છે.

અસરગ્રસ્તોની મુખ્ય માંગણી છે કે જ્યાં નર્મદા ડેમ બનાવવામાં આવ્યો છે, તે વિસ્તારના અસરગ્રસ્ત પરિવારો માટે નવી કટ ઓફ ડેટ નક્કી કરી યોગ્ય વળતર આપવામાં આવે. ડૉ. દર્શનાબેન દેશમુખે અસરગ્રસ્તોની સમસ્યાઓના નિવારણ માટે ખાતરી આપી છે.

Related Articles

Back to top button