રાજપીપલાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસુ નોકરે જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો

રાજપીપલાના રાજવંત પેલેસમાં મહારાજા રઘુવીરસિંહ ગોહિલના વિશ્વાસુ નોકરે જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે. મહારાજાની ઉંમર અને શારીરિક અશક્તતાનો લાભ લઈને નોકર સંજય મધુકર રાજા અને તેના સાગરિતોએ ત્રણ મહિના સુધી મહેલમાંથી ચોરી કરતા રહ્યા.
યુવરાજ માન્વેન્દ્રસિંહે રોયલ પિસ્તોલની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી અને નર્મદા પોલીસે મુખ્ય આરોપી સંજયને અમદાવાદથી ઝડપી પાડ્યો. તેની પૂછપરછમાં અન્ય ચાર આરોપીઓ – મીત, અરબાજ ઉર્ફે અજ્જુ, રિઝવાન અને ફરહાનની સંડોવણી બહાર આવી.
આરોપીઓએ પોતાના મોજશોખ માટે મહેલમાંથી નાની-મોટી વસ્તુઓ ઉપરાંત મહારાજાની સહી કરેલા કોરા ચેકોની પણ ચોરી કરી હતી. ચોરી કરેલી વસ્તુઓ અને ચેક વટાવીને મળેલા નાણાંમાંથી તેમણે મારુતી સ્વિફ્ટ ડિઝાયર, શેવ્રોલેટ ક્રુઝ અને રોયલ એન્ફિલ્ડ બુલેટ ખરીદ્યા હતા.
પોલીસે તમામ આરોપીઓને પકડી પાડી કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમને બે દિવસના રિમાન્ડ મળ્યા છે. રાજપીપળા ટાઉન PI વી.કે. ગઢવી આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે ચોરી કરેલી તમામ વસ્તુઓ અને વાહનો કબજે કર્યા છે.



