માંડવી

માંડવીના બૌધાન ગામમાં જુન્નર સુગર ફેક્ટરીના કેમિકલયુક્ત પાણીથી 6 બકરી અને 2 વાછરડાના મોત

માંડવી તાલુકાના બૌધાન (વડોદ) ગામમાં જુન્નર સુગર ફેક્ટરી દ્વારા ઝાભરી ખાડીમાં છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણીથી પશુઓના મોત થવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

9 જાન્યુઆરી 2025ના રોજ ફેક્ટરી દ્વારા છોડવામાં આવેલા ઝેરી પાણીને કારણે બૌધાન ગામના આદિવાસી પશુપાલકોની 6 બકરી અને 2 વાછરડાના મોત નિપજ્યાનું જણાવી સ્થાનિકોએ માંડવી પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપ્યું હતું.

અસરગ્રસ્ત પશુપાલકોએ માંડવી પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપી વળતરની માંગણી કરી છે. તેમની માંગ મુજબ, એક બકરીના રૂ.10,000 અને એક વાછરડાના રૂ.15,000 લેખે કુલ રૂ.1,00,000નું વળતર ચૂકવવામાં આવે. સાથે જ ફેક્ટરી તરફથી ભવિષ્યમાં કેમિકલયુક્ત પાણી નહીં છોડવાની બાંહેધરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, ફેક્ટરી દ્વારા છોડવામાં આવતા કેમિકલયુક્ત પાણીથી માત્ર પશુઓને જ નહીં, પરંતુ ખાડીની આસપાસની ખેતીલાયક જમીનોને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સ્થાનિક ગ્રામ પંચાયતના અધિકારીઓને આ અંગે જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અસરગ્રસ્તોએ ચેતવણી આપી છે કે જો 7 દિવસમાં તેમની માંગણીઓનો ઉકેલ નહીં આવે તો બૌધાનથી નોગામા સુધી રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે.

Related Articles

Back to top button