ઉમરપાડાના દરદા ગામની 38 વર્ષીય પરિણીતા રહસ્યમય રીતે ગુમ

ઉમરપાડા તાલુકાના દરદા ગામમાં એક 38 વર્ષીય પરિણીતાના ગુમ થવાની ઘટના સામે આવી છે. પુનજીભાઇ દમણીયાભાઇ વસાવાની પત્ની ધર્મિષ્ઠાબેન ગત તારીખ 8 જાન્યુઆરી 2025ના રોજ સવારથી ગુમ થયા છે.
ઘટના અંગે જાણવા મળ્યા મુજબ, સવારે 7 વાગ્યે તેમની દીકરી નિર્માબેન જંગલમાં લાકડા લેવા ગઈ હતી, જ્યારે 9 વાગ્યે તેમનો દીકરો બિપીનભાઈ પીનપુર ગામની શાળામાં ગયો હતો. ધર્મિષ્ઠાબેન ઘરે એકલા હતા. બપોરે 1 વાગ્યે જ્યારે નિર્માબેન ઘરે પરત ફરી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને તેમની માતા ઘરે નહોતા.
સાંજે 5 વાગ્યે જ્યારે પુનજીભાઇ ઉમરપાડા બજારથી ઘરે પરત ફર્યા ત્યારે તેમની પત્ની ઘરે હાજર ન હતા. પરિવારે આસપાસના વિસ્તાર અને સગા-સંબંધીઓને ત્યાં શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ધર્મિષ્ઠાબેન મધ્યમ બાંધાના, ઘઉંવર્ણ, મોટી આંખો ધરાવે છે અને તેમની ઊંચાઈ સાડા ચાર ફૂટ છે. ગુમ થયા સમયે તેમણે સફેદ કલરનું ડિઝાઇનવાળું ટોપ પહેરેલું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



