દેડિયાપાડા મુખ્ય મથકથી ચીકદા ગામ સુધીનો 17 કિમીનો 50 ગામને જોડતો રસ્તો 10 વર્ષમાં ખખડધજ

તાલુકા મથક દેડિયાપાડાથી ચીકદા સુધીનો 17 કીમીનો રસ્તો હાલ ખૂબ જ ખરાબ અને ખખડધજ હાલત માં છે. ચીકદા અને આસપાસ ના ગામડાઓને તાલુકા મથક દેડીયાપાડા ને જોડતો આ રસ્તા ઉપર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. રસ્તા પર ઊંડા ખાડા પડી જતા રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે. રસ્તાની કપચી ઉખડી જતા ઠેર ઠેર ધૂળીયો રસ્તો બની ગયો છે. રસ્તા પર પડેલા ખાડાઓ ને કારણે વાહન ચાલકોને માટે માથા નો દુખાવો બન્યો છે. ખરાબ રસ્તા ને કારણે વારંવાર અકસ્માતો બનતા હોય છે અને તેમાં લોકોને જીવ ગુમાવવા નો વારો આવતો હોય છે.
તાલુકાના મુખ્ય મથક ડેડીયાપાડા ને જોડતો રસ્તો હોવાને કારણે અહીંયા કાયમ વાહનોનું ટ્રાફિક નું ભારણ વધુ હોય છે. ત્યારે આ રસ્તો નવો બનાવી રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે એવી લોકો ની માંગ ઉઠી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લગભગ દસ વર્ષ પહેલાં આ રસ્તો બન્યા બાદ દર વર્ષે ચોમાસા બાદ પેચવર્ક જ કરવામાં આવે છે. જે એકાદ મહિના માં તૂટી જાય છે.
ખરાબ રસ્તા ને કારણે 50 થી વધુ ગામડાઓના લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડે છે.વાહનોને પણ ભારે નુકસાની થતી હોઇ આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે. જેથી વહેલી તકે રસ્તો બને એવી લોકોની માંગ ઉઠી છે. માત્ર 17 કિમીનો રસ્તો કાપવા માટે કેટલીંક વાર લોકોને એક કલાકથી વધુનો સમય લાગી જાય છે. તેમાંય રાત્રીના સમયે આ માર્ગપરથી પસાર થવું ભારે મુશ્કેલી ભર્યું બની જાય છે.




