ડાંગ

મંજૂર થયેલી હરાજી ખોટી રીતે રદ કરાવી ખોટા દસ્તાવેજ ઉભા કરનાર સુબીરની ઘાણા પ્રા.શાળાના આચાર્ય સામે કાર્યવાહી કરવા રાવ

સુબીર તાલુકાના ઘાણા ગામે મુખ્ય પ્રાથમિક શાળાના આચાર્યએ ખોટી સહી, દસ્તાવેજો બનાવી રજૂ કરી સરકારી કર્મચારીને ગેરમાર્ગે દોરીને કોન્ટ્રાકટરની ઓરડા તોડવાની મંજૂર થયેલી હરાજી ખોટી રીતે રદ કરાવી હતી. તેમના મળતીયાને મંજુરી મળે તેથી એકબીજાની મદદગારીથી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી હરાજી રદ કરવા તથા કોન્ટ્રાક્ટરની ખોટી સહી કરવા બદલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટરે સુબીર પીએસઆઇને લેખિતમાં ફરિયાદ કરી હતી.

ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા ડાંગ સંચાલિત સુબીરની ઘાણા પ્રાથમિક શાળાના પાંચ ઓરડાની જાહેર હરાજી 18મી જુલાઇ 2024ના રોજ કરાઇ હતી. આ હરાજીમાં કોન્ટ્રાકટર આહવાના પરશુરામ રામુભાઈ આલકુટે હરાજીમાં રૂ.17600ની સૌથી ઊંચી બોલી લગાવી હતી અને 10% લેખે રૂ. 1760 કોન્ટ્રાક્ટર એ સ્થળ પર તેની પહોંચ શાળાના આચાર્યના સહીવાળી નકલ તેમને આપી હતી. જેથી આ કોન્ટ્રાક્ટરે પાંચ ઓરડા તોડવાની મંજૂરી સર્વાનુમતે લીધી હતી. આ હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 27મી જુલાઇના રોજ ઘાણા મુખ્ય શાળાના શિક્ષક એસ.એસ.સુનુન્યાએ જાહેર હરાજી રદ કરવા બાબતે જાહેર નોટીસ પેપરમાં પ્રસિદ્ધ કરાવી હતી. જેથી કોન્ટ્રાક્ટર પરશુરામભાઈએ હરાજી રદ કરવાનું કારણ જાણવાનો પ્રયત્ન કર્યો પરંતુ આચાર્યએ ઉડાઉ જવાબ આપી જણાવ્યું કે આ હરાજી ખુબજ ઓછા ભાવમાં નક્કી થઇ હોય જેથી રદ કરાવી છે. કોન્ટ્રાકટરને કોઈપણ નોટીસ આપી તેનું લેખિતમાં કારણ જણાવ્યું નથી કે જાહેર નોટીસમાં પણ હરાજી રદ કરવાનું ચોકક્સ કારણ જણાવ્યું નથી અને નીતી નિયમોને નેવે મુકી હરાજીની શરતોનું ઉલ્લંધન કરી રદ કરવાની જાહેર નોટીસ પ્રસિદ્ધ કરી છે. આચાર્યના મળતિયાઓને હરાજીથી ફાયદો કરાવી આપવાનવી હરાજી કરવાની નોટીસ આપવાનું કાવતરું એકબીજાના મેળાપીપણામાં કરી રહ્યાં છે તેવા આક્ષેપો કોન્ટ્રાકટરે કર્યા હતા.

આ મામલે કોન્ટ્રાક્ટરે ઓરડા તોડવાની હરાજી અંગે દસ્તાવેજ પુરાવાની નકલ આરટીઆઇએ મેળવી હતી.જેમાં જાણવા મળ્યું કે આચાર્ય દ્વારા હરાજીના દસ્તાવેજો સાથે છેડખાની કરાઇ હોય અને ખોટી સહી કરીને સરકારી કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા હોવાથી તેમની સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર પરશુરામભાઈએ સુબીર પીએસઆઇને લેખિતમાં ફરિયાદ કરી હતી. જો કે પોલીસે હજુ સુધી આ પ્રકરણમાં ગુનો નોંધ્યો નથી. અરજીના આધારે તપાસ શરૂ કરાય છે.

Related Articles

Back to top button