વાંકલ ગામની એનડી દેસાઈ હાઈસ્કૂલે શહેર અને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમ મેળવ્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામની એનડી દેસાઈ હાઈસ્કૂલે શહેર અને જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પ્રથમ ક્રમ મેળવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત શ્રેષ્ઠ શાળા પારિતોષિક સ્પર્ધામાં સુરત શહેરની પાંચ અને જિલ્લાની બે મળી કુલ સાત શાળાઓએ ભાગ લીધો હતો.
આ સિદ્ધિ બદલ ગ્રામજનોએ શાળાના આચાર્ય પારસભાઈ મોદીનું વિશેષ સન્માન કર્યું હતું. વાંકલ વેપારી મંડળના પ્રમુખ મયુરભાઈ મોદી, એપીએમસીના ડિરેક્ટર અંકિતભાઈ શાહ સહિત અનેક અગ્રણીઓએ આચાર્યશ્રીને શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા.
શાળાના આચાર્ય પારસભાઈ મોદીએ જણાવ્યું કે આ સિદ્ધિ માટે શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળે છેલ્લા ઘણા સમયથી અથાક પ્રયત્નો કર્યા છે. વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઈ દેસાઈ અને સમગ્ર ટ્રસ્ટી મંડળના સહયોગથી શાળાએ આ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
હવે એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ સુરત જિલ્લાનું પ્રતિનિધિત્વ ગુજરાત રાજ્યકક્ષાએ કરશે. આચાર્યશ્રીએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે રાજ્યકક્ષાએ પણ શાળા શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે.




