ઉમરપાડાના ચારણી ગામમાં શંકાશીલ પતિએ પત્નીનો હાથ ભાંગતા પોલીસ સ્ટેશને ફરિયાદ નૌધાય

ઉમરપાડાના ચારણી ગામમાં પતિની શંકાશીલ વૃત્તિને કારણે એક મહિલાને ગંભીર શારીરિક અને માનસિક ત્રાસનો સામનો કરવો પડ્યો છે. 35 વર્ષીય મનિષાબેન વસાવા, જેઓ મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમના પર તેમના પતિ મહેન્દ્રભાઈ વસાવાએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે.
ઘટના સાયણ ગામમાં બની હતી, જ્યાં પતિ-પત્ની બંને કડિયા કામની મજૂરી કરતા હતા. મનિષાબેને સાથે કામ કરતા એક મજૂર દેવાભાઈને પાણી આપ્યું હતું, જે બાબત તેમના પતિને ખટકી હતી. આ નાની બાબતને લઈને શંકાશીલ પતિએ ઘરે આવીને પત્નીને લાકડી વડે માર માર્યો હતો. આટલું જ નહીં, વારંવાર મારપીટ કરતા તેમનો ડાબો હાથ ફ્રેક્ચર થઈ ગયો હતો.
પતિના નિરંતર શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને મનિષાબેને આખરે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહેન્દ્ર અમરસિંહ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઘટના ઘરેલુ હિંસાની ગંભીરતા અને મહિલાઓ પર થતા અત્યાચારની વાસ્તવિકતા દર્શાવે છે.




