નાંદોદ તાલુકા પંચાયતમાં વિવાદ ફરી ચરમસીમાએ
તાલુકા પંચાયત પ્રમુખના પતિ સુનિલ વસાવા અને કુમસગામના ડેપ્યુટી સરપંચ નવીન વસાવા વચ્ચે ગામના વિકાસ કામોની ફાળવણીને લઈને તકરાર થતાં મામલો આમલેથા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

નાંદોદ તાલુકા પંચાયતમાં વિકાસના કામોને લઈને ફરી એકવાર વિવાદ સર્જાયો છે. તાલુકા પંચાયત પ્રમુખના પતિ સુનિલ વસાવા અને કુમસગામના ડેપ્યુટી સરપંચ નવીન વસાવા વચ્ચે ગામના વિકાસ કામોની ફાળવણીને લઈને તકરાર થતાં મામલો આમલેથા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
કુમસગામના ડેપ્યુટી સરપંચે સરકારી બોરના કામની ફાળવણી અંગે સુનિલ વસાવાને ફોન કર્યો હતો. જેમાં સુનિલ વસાવાએ પોતાની ભાજપ પ્રમુખ તરીકેની સત્તાનો ઉલ્લેખ કરી, મનફાવે તેમ કામ આપવાની વાત કરી હતી. આ મુદ્દે બંને વચ્ચે તીવ્ર બોલાચાલી થઈ હતી, જે પછીથી શારીરિક અથડામણમાં પરિણમી હતી. બંને પક્ષે એકબીજા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકીઓની ફરિયાદ નોંધાવી છે.
આ અગાઉ પણ નાંદોદ તાલુકા પંચાયતમાં પ્રમુખના પતિની અનધિકૃત દખલગીરીને લઈને વિવાદ સર્જાયો હતો. ચૂંટાયેલા સભ્યોએ મહિલા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત સુધીની કાર્યવાહી કરી હતી અને રાજીનામાની ચીમકી આપી હતી. જોકે, ભાજપના વરિષ્ઠ નેતાઓની દરમિયાનગીરીથી તે સમયે મામલો શાંત પડ્યો હતો.
વર્તમાન ઘટનાક્રમમાં પણ ભાજપના આગેવાનોની મધ્યસ્થીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થયું છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા, પક્ષની છબી જાળવવા માટે સંગઠન દ્વારા યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.




