વ્યારાની સોનગઢ નગર પાલિકામાં માજી કોંગ્રેસ પ્રમુખે સોશિયલ મીડિયા પર અપક્ષ ચૂંટણી લડવા જાહેરાત કરી

સોનગઢ નગર પાલિકાની ચૂંટણી આગામી તા.16 મી ફેબ્રુઆરીના દિવસે યોજાનાર છે ત્યારે હવે ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે એમ કહેવાય તો ખોટું નથી.
આ તમામ ગતિવિધિઓની વચ્ચે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ પ્રમુખ અને હાલ કોંગ્રેસ સાથે છેડો ફાડી ચૂકેલા સામાજિક કાર્યકર એવાં વિજયભાઈ પાવશેએ પ્રથમ ઘા રાણાનો ની માફક ફેસબૂક પોસ્ટના માધ્યમથી વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે હું આ ચૂંટણીમાં જીતુ કે હારુ પણ મને એનું કોઈ દુખ રહેશે નહીં પણ જો હું જીતી જઈશ તો છેલ્લાં દસ વર્ષમાં જે કામ નથી થયા એ હું પુરા કરીને બતાવીશ. આ પોસ્ટના કારણે વોર્ડ નંબર 2ની ચૂંટણી રસપ્રદ બની ગઈ છે. આ વોર્ડમાં કોંગ્રેસ છોડીને આવેલા યોગેશ મરાઠે આ વખતે ભાજપમાંથી ચૂંટણી લડવા થનગને છે જ્યારે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા રાજેન્દ્ર ભાવસાર પણ મેદાનમાં છે. વોર્ડ નંબર એકમાં બીજેપીમાંથી માજી સંગઠન પ્રમુખ હેતલ મહેતા ચૂંટણી લડવાના મૂડમાં છે જ્યારે અન્ય વોર્ડમાંથી પણ ઉમેદવારો તૈયારી કરી રહ્યાં છે. ભાજપ જિલ્લા પ્રમુખ મયંક જોશી પણ સોનગઢ ખાતે જ રહેતાં હોય વધુ સીટો સાથે પાલિકા જીતવી તેમનાં માટે પ્રતિષ્ઠાનો જંગ છે. તાજેતરમાં નવાગામ ખાતે પાલિકા ચૂંટણી સંદર્ભે એક બેઠક મળી હતી તેમાં સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહી ચર્ચા વિચારણા કરી હતી. બીજેપી પાર્ટી કેડર બેજ પાર્ટી ગણાય છે ત્યારે આગામી ચૂંટણીમાં જે કાર્યકર્તાઓને ટીકીટ મળશે નહીં તેમનો રૂખ કેવો રહેશે એ જોવું રહ્યું. એ સાથે જ કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ 28 ઉમેદવાર ઉભા રાખવાની મથામણ ચાલી રહી છે. કોંગ્રેસ પાર્ટી માટે ખાસ કરીને વાંકવેલ, દેવજીપૂરા, જેસિંગપુરા, અલીફ નગર વગેરે પોકેટ વિસ્તાર ગણાય છે ત્યારે ગત ચૂંટણીમાં સાત બેઠક મેળવનાર કોંગ્રેસ આ વખતે કેટલું કાઠું કાઢશે એ જોવું રહ્યું. પાલિકા ચૂંટણીમાં દરેક સમાજના લોકો પોતાનાં સમાજના પ્રતિનિધિ પાલિકામાં હોય એવું ઈચ્છે છે પણ અંદાજિત 23,000 વોટર્સમાંથી માત્ર 28 લોકો જ પાલિકામાં પહોંચશે એ પણ એક હકીકત છે.
આ પાલિકા ચૂંટણીમાં બંને મુખ્ય રાજકીય પક્ષો બને ત્યાં સુધી એજ્યુકેટેડ લોકોને વધુમાં વધુ ટીકીટ ફાળવે તો વિકાસમાં તેઓ તેમનું નોલેજ વાપરી શકશે બાકી ગત વખતમાં કેટલાંક સભ્યોને સહી કરતાં ન આવડતું હતું તેઓ નેતા બની ફરતાં થઈ ગયા હતા તેમાં ગામ નો ચોમુખી વિકાસ થઈ શક્યો ન હતો.ગત બે વર્ષ દરમિયાન કેટલાંક બિનજરૂરી કામો લોકોના માથે મારી દેવાયા હતાં જે પણ ચર્ચા નો વિષય છે.



