સાગબારાની સેલંબા ગૃપ ગ્રામ પંચાયતમાં ખોટા પુરાવાઓ રજુ કરી; ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતી મહીલા સભ્ય પુંજાબેન ગોસાઈ
અગાઉ પણ રજુઆત છતાં વહીવટીતંત્રની લાપરવાહીથી બિજી વખત રજુઆત કરવા મજબુર મહીલા સભ્ય

સરપંચ ભાજપના હોવાથી તંત્ર દબાણના કારણે તપાસ થતી નથી, ફરિયાદીનું વહીવટીતંત્ર સાંભળતું નથી.
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં સેલંબા ગૃપ ગ્રામ પંચાયતમાં વિપુલ પ્રમાણમાં વિકાસની વિવિધ યોજનાઓમાં ખોટા પુરાવાઓ રજુ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ મહીલા સભ્યે સરપંચ પર લગાવ્યો છે.
વોર્ડ નંબર-૧, ના મહીલા સભ્ય પુંજાબેન ગોસાઈએ પત્ર દ્વારા લખી આરપીએડીથી સરકારના વિવિધ ખાતાઓ જિલ્લા વિકાસ અધિકારી – નર્મદા, વિકાસ કમિશનર -ગાંધીનગર તથા મુખ્યમંત્રીને લેખિત અરજી કરી જણાવ્યું છે કે; ગૃપ ગ્રામ પંચાયત સેલંબામાં વિકાસની વિવિધ યોજનાઓ ૧૫ મું નાણાપંચ, ધારાસભ્ય/ સંસદ સભ્યની ગ્રાંટો, બોર્ડર વિલેજ, અને ગુજરાત પેટર્નમાં ખોટા લોકેશનો, સ્થળ સ્થિતિના ખોટા નકશાઓ, ખોટા ઈએસટીએસ બતાવી મોટા પાયે ગેરરીતિ કરી ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ મહીલા સભ્ય પુંજાબેન ગોસાઈ એ લગાવ્યો છે. તે બાબતે નિષ્પક્ષ તપાસ કરી કસુરવાર સરપંચને પદભ્રષ્ટ કરી અને તલાટી કમ મંત્રી સામે ખાતાકીય તપાસ કરવા રજુઆત કરવામાં આવી છે. તદ ઉપરાંત અગાઉ પણ મહીલા સભ્ય પુંજાબેન ગોસાઈ અને વોર્ડ નં-૨ના સભ્ય પંકજકુમાર સાથે તાલુકા વિકાસ અધિકારી સાગબારાને તા.૧૦/૧૨/૨૦૨૪ ના રોજ રજુઆત કરી હતી. અને તે સંદર્ભમાં તાલુકા વિકાસ અધિકારીએ વિવિધ યોજનાના વિકાસના કામોની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયા બાબતે પંચાયત શાખાના વિસ્તરણ અધિકારી વિનોદભાઈ વસાવાને તા.૧૬/૧૨/૨૦૨૪ ના સેલંબા ગૃપ ગ્રામ પંચાયતની દિન -૭માં તપાસ કરવા આદેશ કરેલ હતો. પણ કયા કારણસર તપાસ થતી નથી, એવો સવાલ ઉભો થાય છે. જેથી ફરી બિજીવાર મહીલા સભ્ય પુંજાબેન ગૌસાઈએ રજુઆત કરેલ છે.




