મઢી મોરા ફળિયામાં રસ્તો બન્યાનું બોર્ડ તો લાગ્યું; પણ છેલ્લા 25 વર્ષથી રસ્તાનું કામ ન થયું હોવાનો ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો

બારડોલી તાલુકાના મઢી ગામના મોરા ફળિયામાં એટીવીટી 2021-22 ની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ રસ્તાનું કામ થયું હોવાનું બોર્ડ ચીતરવમાં આવ્યું છે. જોકે અહીં રસ્તો બન્યો જ નથી એવું સ્થાનિકો નું કહેવું છે. રસ્તો બની ગયો હોવાનું બોર્ડ લગાવવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મઢી ગામના રહેવાસી ભરતભાઇ મગનભાઇ ચૌધરીના ઘર પાસેથી મેઇન રોડને જોડતો ડામર રોડ બનાવવા માટે 2.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જો કે, આ રસ્તાનું કામ પૂર્ણ થયું નથી. રસ્તાના એક છેડાની થોડી જગ્યા ખાનગી માલિકીની હોવાથી માલિકે રસ્તો બનાવવાની પરવાનગી આપી ન હતી. પરંતુ આ હકીકત છતાં રસ્તો બની ગયો હોવાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ભરતભાઇ ઝાલાએ જણાવ્યું કે, ખાનગી માલિકીની જમીનના કારણે રસ્તો અધૂરો રહ્યો છે.
ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અહી રસ્તો બનાવ્યો જ નથી છતાં યોજનાનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. તેઓ એવો દાવો કરી રહ્યા છે કે, 2000ની સાલથી અહીં રસ્તાનું કામ થયું નથી. હાલમાં જે મટિરિયલ પથરાયેલું દેખાઈ છે તે પણ અમે જાતે નાખ્યું છે. અમે સરકારમાં ફરિયાદ કરવાના છીએ. આ પ્રકારનું નિવેદન આપેલ વિડિયો વાયરલ કર્યો હતો.




