ગુજરાતમાંથી દીપડાને મહારાષ્ટ્રમાં છોડાતા હોવાનો આક્ષેપ

ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોએ ગુજરાતના વન વિભાગ પર ગંભીર આક્ષેપ કર્યા છે. ગુજરાતમાંથી ઝડપાયેલા દીપડાઓને વન વિભાગ મહારાષ્ટ્રના ગામડાંમાં છોડી મૂકતા હોવાનો આક્ષેપ કરાયો છે. બોટમાં દીપડાને નદી પાર કરાવી છોડી મુકાતા હોવોનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગુજરાતના વન વિભાગ પર સવાલ ઊઠતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે કહ્યું હતું કે ગુજરાતના વન વિભાગને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે વીડિયો છે એ ફેક ગણાવ્યો હતો.
ગુજરાતના દીપડાને મહારાષ્ટ્રમાં છોડાતા હોવાનો આક્ષેપ
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પકડાયેલા દીપડાઓને મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના જંગલોમાં છોડી દેવામાં આવતાં સ્થાનિક લોકોએ આક્ષેપ સાથે આકરો વિરોધ નોંધાવ્યો છે. આક્ષેપ છે કે દક્ષિણ ગુજરાતના મહારાષ્ટ્ર બોર્ડર નજીક આવેલાં ગામોમાં નર્મદા નદીના જળમાર્ગે બાર્જ બોટ મારફત દીપડાઓને મણિબેલી અને ચીમલખેડી વિસ્તારમાં લાવવામાં આવે છે, જેથી ત્યાંના સ્થાનિકોએ વન વિભાગની નીતિ પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. મહારાષ્ટ્રનાં ગામોના લોકો એક બાજુ કહી રહ્યા છે ગુજરાત વન વિભાગના અધિકારીઓ બાર્જ બોટમાં પાંજરે પૂરેલા દીપડાને નંદુરબાર જિલ્લાના મણિબેલી અને ચીમલખેડી વિસ્તારમાં છોડવા માટે આવ્યા હતા. એ સમયે ગ્રામજનોને આ બાબતની જાણ થઈ, તો તેમણે ઉગ્ર વિરોધ કર્યો. પ્રખર વિરોધના કારણે વન વિભાગના અધિકારીઓ દીપડાને સાથે લઈને પરત ચાલ્યા ગયા હતા.
બોટમાં દીપડા લાવી છોડી મુકાતા હોવાનો દાવો
સ્થાનિક ગ્રામજનોના કહેવા મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં ગુજરાતમાંથી 3-4 દીપડાને આ વિસ્તારમાં છોડી દેવાયા છે. આ દીપડાઓને છોડવાનાં સ્થળો છે, જ્યાં નર્મદા નદી કિનારે આવેલાં 33 ગામ છે, જેમાં શાળાઓ અને રહેણાક વિસ્તાર પણ છે. આ દીપડાઓ સ્થાનિક લોકજિંદગી માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. અન્ય એક સ્થાનિક નાગરિક સુરજી વસાવેએ જણાવ્યું હતું કે ગુજરાત વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દાદાગીરી કરીને અમારા વિસ્તારમાં બોટની અંદર પાંજરા લઈને આવ્યા હતા. આ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. અહીં બાળકો ભણવા માટે જાય છે અને મોટી સંખ્યામાં લોકો રહે છે. સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ પરત ફર્યા. આ આદિવાસી વિસ્તારના લોકો ઉપર અન્યાય થઈ રહ્યો છે. દીપડો અહીં છોડી જવાથી સ્થાનિકો માટે જીવનો જોખમ ઊભો થાય છે. અમારી મૂળભૂત વ્યવસ્થાને તેઓ ખોરવી રહ્યા છે. તેની પાછળ ગુજરાત શાસન છે કે નહીં, એ અમારો પ્રશ્ન છે.
ગુજરાતના વન અને પર્યાવરણ રાજ્યમંત્રીએ સ્પષ્ટતા કરી
આ સમગ્ર મામલે પહેલીવાર ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે “મારી પાસે પણ વીડિયો વાઈરલ થઈને આવ્યો છે. અમારા વન વિભાગના અધિકારીઓ ક્યારેય દીપડાનું રેસ્ક્યૂ કરીને કોઈ અન્ય રાજ્યમાં મોકલતા નથી. ગુજરાત પાસે પર્યાપ્ત જગ્યા છે. ગુજરાત પાસે આટલું મોટું જંગલ હોય ત્યારે વન વિભાગના લોકો શા માટે આ જરૂરિયાતમાં પડે? અમે મોટા ભાગે દીપડાઓ પર ચિપ્સ લગાવીએ છીએ અને એની મૂવમેન્ટ પર અમારી નજર હોય છે. જ્યારથી દીપડાના હુમલા વધી ગયા છે, ત્યારથી અમે ચિપ્સ લગાવવાનું શરૂ કર્યું છે.” સાથે તેમણે જણાવ્યું હતું કે, “કોઈ ટીખળખોરે વન વિભાગને બદનામ કરવા માટેનું કાવતરું કર્યું હોય એમ લાગે છે. બોટ જેવું છે, એ કઈ નદીનું છે એ ખબર પડતી નથી.”




