દેશનર્મદારમતગમત

નર્મદાના તિલકવાડા તાલુકાના નલિયા ગામની સાઈમા ઠાકોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં 2024માં સ્થાન મેળવ્યું

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના નાનકડા નલિયા ગામની દીકરી સાઈમા ઠાકોરે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં 2024માં સ્થાન મેળવીને ગામનું નામ રોશન કર્યું છે. હાલ વુમન પ્રિમિયર લીગમાં યુપી વોરિયર્સ તરફથી તેને ખરીદવામાં આવી છે. જેની પ્રથમ મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમમાં રમાવાની છે. મુંબઇમાં રહેતી સાઇમા હાલ ગુજરાતમાં હોવાથી તે તેના મામાના ઘરે નલિયા પહોંચી હતી. જ્યાં તેણે તેનું બાળપણ વિતાવ્યું હતું. જ્યાં પરિવાર સાથે મળીને તેણે જૂની યાદો તાજા કરી હતી.

સાઇમા સાથે વાત કરતા જાણવા મળ્યું કે, બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે પ્રેમ ધરાવતી સાઈમા વેકેશનમાં જ્યારે નલિયા આવતી ત્યારે અન્ય બાળકો કેરી તોડવા કે સંતાકૂકડી રમવા જતા, પરંતુ તે છોકરાઓ સાથે ક્રિકેટ રમતી. મુસ્લિમ પરિવારમાં અનેક પાબંદીઓ હોવા છતાં, તેના પરિવારે તેને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરી. તેના પિતા નોકરીની સાથે સાથે સાઇમાને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતા હતા. નલિયાથી મુંબઈ સ્થળાંતર બાદ સાઈમાએ ક્રિકેટ કોચિંગ લઈને તેને પોતાનું પ્રોફેશન બનાવ્યું.

2024માં ભારતીય વુમેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું

નલિયા ગામના મુસ્લિમ પરિવારની દીકરી સાઈમા ઠાકોર જણાવે છે કે, વર્ષ 2024માં ભારતીય વુમેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન પ્રાપ્ત કર્યું. નર્મદા જિલ્લાના નાનકડા ગામ અને સામાન્ય પરિવારમાંથી ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચવાનું સ્વપ્ન બાળપણમાં જ જોઈ લીધું હતું. વેકેશનમાં નલિયા મામાના ઘરે આવતી ત્યારે, પરિવારના બીજા બાળકો કેરી તોડવા જતાં, સંતાકુકડી જેવી રમતો રમતાં પણ, મને તો છોકરાઓ સાથે ક્રિકેટ રમવી ગમતી. મુસ્લિમ પરિવારમાં અનેક પ્રકારની પાબંદીઓ હોઈ છે, પણ મારા પરિવારે એવી કોઈ પાબંદીઓ રાખી ન હતી. મારો પરિવાર મને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કરતો હતો.

પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝુલન ગોસ્વામી અને ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનથી પ્રેરણા લેનાર સાઈમાએ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમી હતી. જેમાં તેને 2 વિકેટ પણ ઝડપી હતી અને તેને એવોર્ડ પણ મળ્યો હતો. આ દિવસને તે હંમેશા યાદગાર દિવસ ગણાવી રહી છે. જોકે વુમેન્સ ક્રિકેટમાં દેશ માટે સાઈમા કંઈક કરી છૂટવા માગે છે. સાઈમા ભારતીય વુમેન્સ ટીમમાં એક બોલર અને ઓલરાઉન્ડર તરીકે રમી રહી છે.

છોકરાઓ સાથે ક્રિકેટ રમતી તો ગ્રામજનોને આશ્ચર્ય થતું

નલિયા ગામના સરપંચએ જણાવ્યું હતું કે, સાઈમા જ્યારે ગામમાં આવતી તો બધા કરતા અલગ જ રમતો રમતી. તે બળદગાડામાં બેસી જતી અને ગામના ભાગોળેથી દોડીને ગામમાં આવતી. ગામમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી તો ગ્રામજનોને આશ્ચર્ય થતું હતું, પણ આજે ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ રમે છે તો અમને ખૂબ ગર્વ થાય છે કે અમારા ગામ અને જિલ્લાનું નામ રોશન કર્યું.

પહેલેથી બોલ બેટની રમતની શોખીન હતી : સાઇમાના દાદા

સાઈમાના દાદા હમિદ ઘોરીએ જણાવ્યું હતું કે, મારી દીકરીની દીકરી સાઇમા પહેલેથી બોલ બેટની રમતની શોખીન હતી. પહેલા તેને અટકાવતા છોકરાઓ સાથે રમવા જવાનું પણ ના પાડતા પણ આ છોકરી માબાપનું નામ રોશન કરશે એ અમને સમજ પડી એટલે પછી અમે સપોર્ટ આપ્યો. હજુ આગળ વધે એવી ખુદાને બંદગી કરીએ છે.

Related Articles

Back to top button