ડાંગમાં રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં વિપક્ષ પાર્ટીઓને દૂર રખાતા રોષ

ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા વિપક્ષને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીથી દૂર રાખવામાં આવ્યા હતા. જેને લઈને વિપક્ષ આમ આદમી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટીમાં રોષ જોવા મળી રહ્યો છે. બન્ને વિપક્ષનાં આગેવાનો દ્વારા ડાંગ જિલ્લા અધિક કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડાંગ જિલ્લામાં વિપક્ષ આમ આદમી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં ડાંગ જિલ્લામાં રાષ્ટ્રીય તહેવારો જેમ કે 26મી જાન્યુઆરી તથા 15મી ઓગસ્ટ જેવા તહેવારો આવે ત્યારે આ પાર્ટીના મુખ્ય પ્રમુખ અથવા મહામંત્રીઓને બોલાવાતા નથી. જેથી રાષ્ટ્રીય પાર્ટીનું અપમાન થઈ રહ્યું છે.
આ ડાંગ જિલ્લા વહીવટી તંત્રને પણ ખબર નથી કે જિલ્લામાં કેટલી રાષ્ટ્રીય પાર્ટી આવેલી છે. આવા અનેક આક્ષેપો સાથે આમ આદમી પાર્ટી તથા બહુજન સમાજ પાર્ટી દ્વારા અધિક કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ કોઈપણ પાર્ટીનું અપમાન ન થાય તેવું ઇચ્છનીય છે અને હવે પછી આવું વર્તન કરવામાં આવે તો તેની જવાબદારી સરકારી તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારાઇ હતી.




