સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયતની ધાણાવડ-4 બેઠક માટે રાજ્ય ચૂંટણી આયોગે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા પંચાયતની ધાણાવડ-4 બેઠક માટે રાજ્ય ચૂંટણી આયોગે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ બેઠક અનુસૂચિત આદિજાતિ મહિલા માટે અનામત છે. ચૂંટણી અધિકારી અને મામલતદાર ઉમરપાડા દ્વારા જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે.
ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા 1 ફેબ્રુઆરી, 2025થી શરૂ થશે. ઉમેદવારો સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધી મામલતદાર કચેરી, ઉમરપાડા અથવા નાયબ મામલતદાર (મહેસૂલ)ની કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી શકશે. ફોર્મ ચકાસણી 3 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યાથી હાથ ધરાશે.
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 4 ફેબ્રુઆરી, 2025 બપોરે 3 વાગ્યા સુધી રાખવામાં આવી છે. જો ચૂંટણી હરિફાઈવાળી બને તો 16 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ઉમેદવાર પોતે અથવા તેમના પ્રતિનિધિ કે ચૂંટણી એજન્ટ દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાની અરજી કરી શકાશે.




