ભરૂચ
આમોદના કબ્રસ્તાન પાસે ટપોટપ એક બાદ એક કાગડા ઝાડ પરથી પટકાયા અને મોત નિપજ્યું, વનવિભાગે તપાસ હાથ ધરી
શું આ બનાવ મંત્ર - તંત્ર વિદ્યાનો તો નહિ ને? શું છે હકીકત?

આમોદના કબ્રસ્તાન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સાથે ચાર કાગડાના રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે સ્થાનિક રહેવાસી ઈમરાન કબ્રસ્તાનમાં સફાઈ કામ કરી રહ્યા હતા.
ઈમરાને જોયું કે ઝાડ પરથી ત્રણથી ચાર કાગડા અચાનક નીચે પડ્યા હતા. તેમણે કાગડાઓને બચાવવા માટે તાત્કાલિક પાણી છાંટવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુર્ભાગ્યવશ તમામ કાગડાઓના મોત નિપજ્યા હતા. આ અણધારી ઘટનાએ સ્થાનિક લોકોમાં ચિંતા ઉભી કરી છે.
આ મામલે સ્થાનિક લોકોએ વન વિભાગ પાસે તપાસની માંગ કરી છે. જ્યારે આ અંગે આમોદના ફોરેસ્ટ અધિકારી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે સ્પષ્ટતા કરી કે કાગડા વાઈલ્ડ લાઈફના શિડ્યુલમાં આવતા ન હોવા છતાં, અને તેમને આ અંગે કોઈ ઔપચારિક ફરિયાદ ન મળી હોવા છતાં, વિભાગ પોતાના સ્તરે આ મામલાની તપાસ કરશે.




