20 વર્ષની સેવા બાદ ભૂસ્તરશાસ્ત્રી ડી.કે. પટેલની વિદાય
હમણાં સુધી અંદાજિત 500 કરોડની ખનિજ ચોરી તેમણે પકડી છે

સુરત જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા લાંબી સેવા આપનાર ભૂસ્તરશાસ્ત્રી ડી.કે. પટેલનો વિદાય સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં રેતી અને ક્વોરી ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડી.કે. પટેલે છેલ્લા 20 વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભૂસ્તર વિભાગમાં અલગ-અલગ હોદ્દા પર સેવા આપી હતી. તેમની વિદાય વેળાએ સુરત જિલ્લા ક્વોરી એસોસિએશનના પ્રમુખ રજની પટેલ, ચતુરભાઈ અને ગોપાલભાઈએ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
પટેલની કારકિર્દીમાં નોંધપાત્ર સિદ્ધિઓ રહી છે. 2006-07માં કચ્છ-ભુજમાં 100 કરોડની રોયલ્ટી આવક માટે તેમને સરકાર તરફથી પ્રશંસાપત્ર મળ્યું હતું. તેમણે પોરબંદરમાં 500 કરોડની ખનિજ ચોરી પકડી પાડી હતી અને પોરબંદરને ખનિજ વહીવટમાં મોડેલ જિલ્લો બનાવ્યો હતો.
સુરતમાં તેમની કામગીરી દરમિયાન 2016-17માં માત્ર બે દિવસમાં 200થી વધુ અનધિકૃત ખનિજ વાહનો પકડ્યા હતા, જેના કારણે સુરત દંડ વસૂલાતમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યું હતું. 2022-23 અને 24માં તેમની નેતૃત્વ હેઠળ સુરત જિલ્લો રોયલ્ટીમાં રાજ્યમાં બીજા ક્રમે રહ્યો હતો.
કાર્યક્રમમાં મનસુખભાઈ ભાલાળા, દામજીભાઈ ડાખરા, ભૂરાબાપા અને પંકજભાઈ કાપડિયા સહિત ઉદ્યોગ જગતના અગ્રણીઓએ હાજરી આપી હતી. ભૂસ્તર વિભાગના કર્મચારીઓએ પટેલ સાથેના તેમના અનુભવો વાગોળ્યા હતા અને સૌએ તેમને માનભેર વિદાય આપી હતી.




