નવસારી દાબુ લો કોલેજમાં એડમિશન પ્રક્રિયા શરૂ ન થતા છાત્રો- વાલીઓ ચિંતિત

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગ્રાન્ટેડ લો કોલેજ વચ્ચે એફિલેશન ફી, ઇન્સ્પેક્શન, જૂના નિયમ અને નવા નિયમ લાગુ કરવા સહિતની અનેક બાબતો મામલે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેના પરિણામે નવસારીની દાબુ લો કોલેજ સહિત વિવિધ ગ્રાન્ટેડ લો કોલેજમાં એડમિશનની પ્રક્રિયા શરૂ ન થતા વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ચિંતિત બન્યા છે.
નવસારીની વર્ષોથી ચાલતી દાબુ લો કોલેજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત છે. આ કોલેજ વીએનએસજીયુ તેમજ રાજ્યભરની તમામ યુનિવર્સિટી હેઠળ આવતી ગ્રાન્ટેડ લો કોલેજ હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસના કારણે એડમિશન પ્રક્રિયા અટકાવવા મુજબર બની છે. જેને પગલે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે કે એલએલબીમાં એડમિશન લેવું કે નહીં. શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવાની આરે છે પણ હજુ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી. શિક્ષકોમાં પણ સત્ર કઈ રીતે પૂરું કરશે એ પ્રશ્ન ઉભા થયા છે.
આ ઉપરાંત એલએલબી સ્ટુડન્ટસ જેઓનું વર્ષોથી એડવોકેટ બનવાનું સ્વપ્ન રહ્યું છે તેવા વિદ્યાર્થીઓની એડમિશન પ્રક્રિયા જ બંધ રાખવામાં આવે તો કઈ રીતે દેશનું ભવિષ્ય ઘડાશે ? એવો પ્રશ્ન વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ કરી રહ્યાં છે. આ સ્થિતિથી ઉલ્લેખનીય છે કે આ કેસનો નિર્ણય આવતા ખૂબ જ સમય લાગી જાય તેમ હોવાથી ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીઓના ભાવિને વિચારીને એડમિશન પ્રક્રિયા શરૂ કરી તેમનો અભ્યાસ શરૂ થાય તે દિશા તરફની કાર્યવાહી કરવામાં આવે તેવું જરૂરી બન્યું છે.




