રાજપીપલામાં ખેલ મહાકુંભ 3.0નો ભવ્ય પ્રારંભ

રાજપીપલાના છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત જિલ્લા કક્ષાની કબડ્ડી અને વોલીબોલ સ્પર્ધાઓનો શુભારંભ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના કુલપતિ ડો. મધુકર એસ. પાડવીના હસ્તે કરવામાં આવ્યો. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ખેલ મહાકુંભ એક એવું પ્લેટફોર્મ છે જે ગ્રામ્ય કક્ષાથી રાષ્ટ્રીય સ્તર સુધી ખેલાડીઓને તક પૂરી પાડે છે.
સ્પર્ધામાં કબડ્ડી અને વોલીબોલ બંને રમતોમાં અંડર-14, અંડર-17 અને ઓપન એજ ગ્રુપમાં કુલ 1400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમાં કબડ્ડીમાં 720 અને વોલીબોલમાં 720 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આગામી 2036ની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને ખેલાડીઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
અંબુભાઈ પુરાણી હાઇસ્કૂલની ધોરણ 11ની વિદ્યાર્થિની કામિનીબેન વસાવાએ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યા બાદ જિલ્લા કક્ષાની અંડર-17 કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો છે. તેણે રમત અને અભ્યાસ બંનેમાં સંતુલન જાળવવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ડો. દર્શનાબેન દેશમુખે ખેલાડીઓને પોષણયુક્ત આહાર અને તકનીકી કૌશલ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે અનુભવી કોચની માર્ગદર્શન હેઠળ ખેલાડીઓની પ્રતિભામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાની તક મળશે.




