પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીના નેતૃત્વમાં માંડવી-ઝંખવાવ રોડ લોકોએ ચક્કાજામ કર્યો

પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીના નેતૃત્વમાં માંડવી-ઝંખવાવ રોડ અને નેશનલ હાઈવે 56 પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. ખરાબ રસ્તાના કારણે લોકો રોષે ભરાયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત અહીં ટાયરો પણ સળગાવવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પૂર્વ ધારાસભ્ય આંનદ ચૌધરીની અટક કરાતા હાજર લોકોએ વિફર્યા હતા અને ફરી હાઇવે પર બેસી જતા તંત્રને પરસેવો છૂટી ગયો હતો.
પોલીસે સળગતા ટાયરો માર્ગ પરથી દૂર કરવાની તજવીજ હાથ ધરી હતી. લોકોએ સુત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે સ્થળ પર હાજર પોલીસે માંડવી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરીની અટક કરી પોલીસ બોલેરોમાં બેસાડતા હાજર વિરોધ કરી રહેલા લોકો વિફર્યા હતા અને ફરી હાઇવે જામ કરી દીધો હતો. જ્યાં સુધી લેખિતમાં બાંહેધરી આપવામાં નહિ આવે ત્યાં સુધી ઊભા નહિ થઈએ તેવી હઠ લીધી હતી. ઘટનાસ્થળે દોડી ગયેલા તાલુકા મામલતદારે ટૂંક સમયમાં રસ્તો બની જશે તેવી બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો. લગભગ અઢી કલાક હાઇવે જામ રહેતા લાંબો ટ્રાફિક થઈ ગયો હતો.
પૂર્વ ધારાસભ્ય આનંદ ચોધરીએ જણાવ્યું હતું કે,
વાંરવાર રજૂઆત છતાં રીકાર્પેટ કરતા નથી, મેન્ટેન્સ કરતા નથી, 1 વર્ષમાં અકસ્માતમાં 40થી વધુ લોકોના મોત થયા છે અને અસંખ્ય લોકોના હાથ પગ તૂટ્યા છે. વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. 15 દિવસથી અમે રસ્તા રોકો અંગે માહિતી આપી હતી છતાં પણ સરકારે દરકાર રાખી નથી.




